Loading Please Wait !!!
જામનગર જી.જી. હોસ્પિટલની ગંભીર બેદરકારી, એક્સ-રે મશીન 3 દિવસથી બંધ રહેતા હાલાકી

  • રોજની 1,200 એક્સ-રેની ઓપીડી સામે મશીન ઠપ થતા દર્દીઓની કલાકો સુધી લાંબી કતારો
  • 11 નંબરનું મશીન બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થા પણ વામણી પડી, ઈમરજન્સી કેસમાં ભારે મુશ્કેલી
  • નવી સોનોગ્રાફી સામેના મશીનો પર ભાર વધ્યો, હોસ્પિટલ તંત્રના વહેલી તકે રિપેરીંગના દાવા

જામનગર શહેર અને આસપાસના જિલ્લાઓ માટે આશીર્વાદ સમાન ગણાતી જી.જી. હોસ્પિટલ ફરી એકવાર ટેકનિકલ અવ્યવસ્થાને કારણે ચર્ચાના ચકડોળે ચઢી છે. છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલના મુખ્ય એક્સ-રે વિભાગમાં ટેકનિકલ ખામી સર્જાતા મશીન બંધ હાલતમાં છે. આ સ્થિતિને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઈમરજન્સી સારવારમાં પણ વિલંબ થઈ રહ્યો છે.

હોસ્પિટલના આંકડા મુજબ, અહીં દરરોજ 3,000 થી 4,000 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવે છે, જેમાંથી અંદાજે 1,000 થી 1,200 દર્દીઓને એક્સ-રે કરાવવાની જરૂર પડે છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલના રૂમ નંબર 11 માં આવેલું મુખ્ય એક્સ-રે મશીન અચાનક ખોટકાઈ ગયું હતું. આ મશીન બંધ થતાની સાથે જ એક્સ-રે વિભાગની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી અને દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી.

હોસ્પિટલ તંત્ર દ્વારા ભીડને ઓછી કરવા માટે નવી સોનોગ્રાફી બિલ્ડિંગની સામે રૂમ નંબર 2 માં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે, ત્યાં મર્યાદિત મશીનો હોવાથી દર્દીઓનો ધસારો પહોંચી વળવો મુશ્કેલ બની રહ્યો છે. ટેકનિશિયનોના જણાવ્યા મુજબ વૈકલ્પિક રૂમમાં ત્રણ મશીનો કાર્યરત છે, તેમ છતાં દર્દીઓની સંખ્યા એટલી વધારે છે કે લોકોને એક્સ-રે માટે કલાકો સુધી વેઇટિંગમાં રહેવું પડે છે.

સૌથી વધુ મુશ્કેલી અકસ્માત કે ગંભીર બીમારી ધરાવતા ઈમરજન્સી દર્દીઓને પડી રહી છે. કલાકો સુધી રાહ જોવાની અસમર્થતાને કારણે ઘણા દર્દીઓ આર્થિક તંગી હોવા છતાં ખાનગી લેબોરેટરી કે હોસ્પિટલોમાં એક્સ-રે કરાવવા મજબૂર બન્યા છે. સરકારી હોસ્પિટલમાં મફત સારવારની આશાએ આવતા દર્દીઓ પર આ રીતે આર્થિક બોજ વધતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મશીન રીપેરીંગ માટે કંપનીના નિષ્ણાત કારીગરો બોલાવવામાં આવ્યા છે. આગામી બે દિવસમાં ટેકનિકલ ખામી દૂર કરી મશીન ફરી શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. જોકે, દર્દીઓની માંગ છે કે આવી મહત્વની સુવિધાઓ માટે પૂર્વ તૈયારી રાખવી જોઈએ જેથી ટેકનિકલ ખામીના સમયે ગરીબ દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે.