Loading Please Wait !!!
બેની લડાઈમાં ત્રીજો ફાવશે? વડોદરાના મેયર અને ચેરમેન પદ માટે સસ્પેન્સ

  • વિવાદિત નામોના પત્તા કપાશે, સંગઠન પોતાનું પ્રભુત્વ જાળવવા નવા ચહેરાઓ પર ખેલશે દાવ
  • મેયર પદ માટે SC પુરુષ કે મહિલા? સમીર વાઘેલા અને ચેતન પરમારના નામની જોરદાર ચર્ચા
  • નીતિન દોંગા અને અજિત દધીચ સામે આદિત્ય પટેલનું નામ ચર્ચામાં, ભણેલા-ગણેલા ચહેરાને અગ્રતા

વડોદરા | સિટી ન્યૂઝ : વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર અને પાવરફુલ ગણાતા સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ કોણ બનશે, તેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે એક-બે દિવસમાં નામોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. જોકે, રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપ પોતાની પ્રણાલી મુજબ કોઈ ચોંકાવનારું નામ જાહેર કરી શકે છે. બે દિગ્ગજોની લડાઈમાં કોઈ ત્રીજું જ નામ ફાવી જાય તો નવાઈ નહીં.

આ વખતે મેયર પદ SC અનામત છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ સ્ત્રી માટે અનામત હોવાથી સંભવિત રીતે SC મહિલા અથવા પુરુષ ઉમેદવાર પર પસંદગીની મહોર મારી શકાય છે. હાલમાં મેયર પદની રેસમાં સમીર વાઘેલાનું નામ મોખરે છે, જ્યારે પૂર્વ મેયરના અંગત ગણાતા ચેતન પરમાર અને અજય ડાભીના નામ પણ ચર્ચાના એરણે છે. ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓએ પોતપોતાના અભિપ્રાય મોવડીમંડળને સોંપી દીધા છે, હવે આખરી નિર્ણય હાઈકમાન્ડ લેશે.

બીજી તરફ, વડોદરાના વિકાસ કામોની ચાવી જેના હાથમાં હોય છે તેવા સ્થાયી સમિતિના ચેરમેન પદ માટે પણ રસાકસી જામી છે. હાલમાં અજિત દધીચ અને નીતિન દોંગાના નામ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, આ બંને નેતાઓ અગાઉ કોઈને કોઈ વિવાદમાં સપડાયેલા હોવાથી પક્ષની છબી ખરડાય તેવું રિસ્ક લેવામાં નહીં આવે. તેના બદલે વોર્ડ-7 માંથી વિજેતા થયેલા આદિત્ય પટેલ જેવા ભણેલા-ગણેલા અને નિર્વિવાદિત ચહેરાને તક મળી શકે છે.

ગત ટર્મ દરમિયાન કોર્પોરેશનમાં લેવાયેલા કેટલાક મનસ્વી નિર્ણયોને કારણે સંગઠન અને પાલિકા વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. 2027ની વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી સંગઠન આ વખતે કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. ચર્ચા છે કે સ્થાયી સમિતિના નિર્ણયો પર નજર રાખવા માટે સંગઠનમાંથી કોઈ સિનિયર નેતાને 'મોનિટર' તરીકે ગોઠવવામાં આવશે, જેથી શહેરના હિતમાં અને પક્ષની શિસ્ત મુજબ જ નિર્ણયો લેવાય.

વડોદરાની જનતા અને ભાજપના કાર્યકરોમાં અત્યારે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે મેયર પદનો તાજ કોના શિરે જશે. સેન્સ પ્રક્રિયા બાદ જે રીતે સમીકરણો બદલાયા છે તે જોતા જૂના જોગીઓના પત્તા કપાય અને સંગઠન પ્રત્યે વફાદાર હોય તેવા નવા લોહીને તક મળે તેવી શક્યતા વધુ છે. આગામી 48 કલાક વડોદરાના રાજકારણ માટે અત્યંત મહત્વના સાબિત થશે, જેમાં શહેરના નવા સુકાનીઓના નામ પરથી પડદો ઊંચકાશે.