Loading Please Wait !!!
સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીએ સર્જી શ્વેતક્રાંતિ: દૈનિક 6 લાખ લીટર દૂધની આવક

  • 1.25 લાખ પશુપાલકોની મહેનત રંગ લાવી, પ્રોસેસીંગ અને આઈસ્ક્રીમ ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં પ્રથમ
  • ગોલ્ડન જ્યુબિલી વર્ષમાં ડેરીને 701 લાખનો ચોખ્ખો નફો, સભાસદોને 20 ટકા ડિવિડન્ડની લહાણી
  • 8.39 લાખ દૂધાળા પશુઓ અને 673 મંડળીઓ થકી ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ મજબૂત બની

સિટી ન્યુઝ @  સુરેન્દ્રનગર

આજે સમગ્ર વિશ્વમાં 1 જૂનના રોજ 'વર્લ્ડ મિલ્ક ડે' (વિશ્વ દૂધ દિવસ) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઝાલાવાડ પંથકમાંથી શ્વેતક્રાંતિની એક અત્યંત સુખદ, આક્રમક અને ગૌરવશાળી તસવીર સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. એટલે કે પ્રખ્યાત 'સુરસાગર ડેરી' સ્થાનિક ગરીબ પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિનું સૌથી સબળ માધ્યમ સાબિત થઈ રહી છે. જિલ્લાના આશરે 1.25 લાખ પશુપાલકોના રાત-દિવસના અથાણ પરિશ્રમથી આજે સુરસાગર ડેરીમાં દૈનિક 6 લાખ લીટર દૂધની પ્રચંડ આવક થઈ રહી છે, જેના કારણે લાખો પરિવારો આર્થિક રીતે સશક્ત અને પગભર બન્યા છે.

24 માર્ચ 1975 ના રોજ સ્થપાયેલી સુરસાગર ડેરીએ આજે પોતાના સફળ 50 વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબિલી પૂર્ણ કરી લીધી છે. ડેરીનું કુલ વાર્ષિક ટર્નઓવર આજે 1075 કરોડ રૂપિયાના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, જેમાં પાછલા 6 વર્ષમાં જ 215 કરોડ રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે. વર્ષ 2024-25 માં ડેરીને 701 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે, જે અગાઉના વર્ષની સરખામણીએ 16.25 % નો મોટો ઉછાળો દર્શાવે છે. ડેરીના ચેરમેન નરેશ મારુએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ 8.39 લાખ દૂધાળા પશુ છે અને પશુપાલકોને દર 10 દિવસે 25 કરોડ રૂપિયાનું ઓનલાઈન ચૂકવણું સીધું બેંક ખાતામાં કરાય છે.

સુરસાગર ડેરી પાસે દૈનિક 2 લાખ લીટરની ક્ષમતાનો આધુનિક પ્રોસેસીંગ પ્લાન્ટ છે, જ્યાં અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ, દહીં અને પનીરનું પેકિંગ થાય છે. આ સિવાય દૈનિક 40 હજારથી 70 હજાર લીટરની ક્ષમતા ધરાવતો આઈસ્ક્રીમ પ્લાન્ટ કાર્યરત છે, જ્યાં 101 અલગ-અલગ ફ્લેવરની આઈસ્ક્રીમ આઈટમો બને છે અને આ પ્લાન્ટ ધરાવવામાં સુરસાગર ડેરી સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રથમ ક્રમે છે. પશુપાલનની આ આવકમાંથી ગંભીરભાઈ જોગરાણા, તેજાભાઈ શિયાણીયા અને વીરાભાઈ રબારી જેવા સામાન્ય પશુપાલકોએ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવીને કોઈને ડૉક્ટર તો કોઈને ક્લાસ-2 સરકારી ઓફિસર બનાવ્યા છે.

આગામી સમયમાં પશુપાલકોની આવક બમણી કરવા પર રહેશે મુખ્ય ભાર

વિશ્વ દૂધ દિવસ નિમિત્તે ડેરીના ચેરમેન નરેશ મારૂએ સંસ્થાના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સહકારિતા મંત્રી અમિત શાહના વિશેષ ફાળા બદલ આભાર માન્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની ડેરી દ્વારા હવે ગામડાઓમાં 'સ્વચ્છ દૂધ ઉત્પાદન', પશુઓનો સંતુલિત આહાર અને યોગ્ય રસીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પાટડી ખાતે દૈનિક 150 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો અત્યાધુનિક 'સુરસાગર દાણ પ્લાન્ટ' પણ પશુઓના પોષણક્ષમ આહાર માટે સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.