વડોદરાના વોર્ડ 14માં કાળા પાણીની સજા: રહીશો ત્રણ મહિનાથી દૂષિત પાણીથી પરેશાન
-
નળમાં આવતું પાણી વાપરવા લાયક પણ નથી; વીએમસી ઓફિસમાં સત્યાગ્રહ કરવાની ચીમકી.
-
ટેન્કરરાજ અને ગંદા પાણીથી પ્રજા બેહાલ; ચૂંટણી બાદ નવા કોર્પોરેટરો માટે પાણી મોટો પડકાર.
- કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે સ્થળ પર જઈ અધિકારીઓને ખખડાવ્યા.
સિટી ન્યુઝ @ વડોદરા : વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાને હજુ ગણતરીના દિવસો થયા છે, ત્યાં જ શહેરના જૂના વિસ્તારોમાં પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને શહેરના વોર્ડ 14માં આવેલા પથ્થરગેટ અને નાની ખારવાવાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી નળમાં દૂષિત અને કાળું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. ઉનાળાની શરૂઆતમાં જ શુદ્ધ પાણી ન મળતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો મોંઘા ભાવનું પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા છે.
આ ગંભીર સમસ્યાની જાણ થતા જ વોર્ડ 14ના કોંગ્રેસના નવા ચૂંટાયેલા સભ્યો તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ નાની ખારવાવાડ વિસ્તારમાં પહોંચ્યા હતા. રહીશોની વેદના સાંભળ્યા બાદ કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે પાલિકાના અધિકારીઓને સીધી ચીમકી આપતા જણાવ્યું હતું કે, જો આગામી ત્રણ દિવસમાં આ વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે તો તેઓ અધિકારીઓને આ દૂષિત પાણી પીવડાવશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જનતાની ધીરજ હવે ખૂટી રહી છે.
બીજી તરફ, મહિલા કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે પણ આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે વીએમસી (VMC) ના અધિકારીઓએ હવે સુધરી જવાની જરૂર છે. નળમાં જે પાણી આવી રહ્યું છે તે પીવા તો શું, વાપરવા લાયક પણ નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ પાલિકાની કચેરીએ જઈને સત્યાગ્રહ કરશે. રહીશોએ પણ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે ઘરે મહેમાન આવે તો તેમને પાણીનો ગ્લાસ આપતા પણ શરમ અનુભવાય છે.
વડોદરામાં વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં અને પૂર્વ વિસ્તારમાં આજવા સરોવર નજીક હોવા છતાં અનેક વિસ્તારોમાં 'ટેન્કરરાજ' ચાલી રહ્યું છે. પાલિકામાં હજુ નવા પદાધિકારીઓની નિમણૂક થઈ નથી અને બોર્ડની રચના પણ બાકી છે, ત્યારે જૂની અને જાણીતી પાણીની સમસ્યા નવા ચૂંટાયેલા કોર્પોરેટરો માટે એક કઠિન પડકાર બનીને ઉભી છે. ઉનાળાના તાપમાં પીવાના પાણી માટે વલખાં મારતી જનતા હવે ત્વરિત ઉકેલની આશા રાખી રહી છે.
આ પરિસ્થિતિને જોતા આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન વધુ ગરમાય તેવી શક્યતા છે. નવા કોર્પોરેટરો માટે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવા તે પ્રથમ અગ્રતા રહેશે. જો અધિકારીઓ ત્રણ દિવસના અલ્ટીમેટમમાં નિષ્ફળ જશે, તો પાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શન અને સત્યાગ્રહના દ્રશ્યો જોવા મળી શકે છે. અત્યારે તો વોર્ડ 14 ના રહીશો કાળા અને ગંદા પાણીમાંથી ક્યારે મુક્તિ મળશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.