Loading Please Wait !!!
WPL2027 ની મિની હરાજી કોચીમાં યોજાશે!

  • આગામી હરાજીમાં કુલ ૧૪૬ ખેલાડીઓ પર બોલી લાગશે!
  • હરાજીમાં ૧૧૯ ભારતીય અને ૨૭ વિદેશી ખેલાડીઓ સામેલ!
  • તમામ ફ્રેન્ચાઇઝી પોતાની સ્ક્વોડ મજબૂત કરવા પ્રયત્ન કરશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

મહિલા પ્રીમિયર લીગ (WPL) ની આગામી 2027 ની સીઝન માટે ખેલાડીઓની મિની હરાજી આગામી 28 ઓક્ટોબરે કેરળના કોચી ખાતે યોજાવા જઈ રહી છે.

એક જ દિવસ ચાલનારી આ રોમાંચક મિની હરાજીમાં તમામ ફ્રેન્ચાઇઝી ટીમો પોતાની આગામી રણનીતિ મુજબ સ્ક્વોડને વધુ મજબૂત અને સંતુલિત બનાવવાનો પ્રયાસ કરશે.

આ હરાજી માટે કુલ 146 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 119 ભારતીય અને 27 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ તમામ ખેલાડીઓમાંથી ટોચના 5 પ્રમુખ ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓ દ્વારા મોટી રકમની બોલી લગાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

મહિલા ક્રિકેટના આ સૌથી મોટા ટૂર્નામેન્ટની મિની હરાજીને લઈને ક્રિકેટ રસિકો અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

WPL 2027 ની મિની હરાજી અને ફ્રેન્ચાઇઝીઓની રણનીતિ

મહિલા પ્રીમિયર લીગ (WPL) ની 2027 ની સીઝન માટે કોચી ખાતે યોજાનારી મિની હરાજી ટૂર્નામેન્ટના સમીકરણો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કુલ 146 ખેલાડીઓના ભવિષ્યનો ફેંસલો કરનારી આ હરાજીમાં ફ્રેન્ચાઇઝીઓ પોતાની નબળાઈઓને દૂર કરીને વિજેતા ટીમ તૈયાર કરવા માટે ભરપૂર દાવ લગાવશે. ભારતીય અને વિદેશી પ્રતિભાશાળી ખેલાડીઓ પર લાગનારી મોટી બોલીઓ મહિલા ક્રિકેટના વધતા કદ અને લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

સોફિયા ડંકલી 
ઇંગ્લેન્ડની આ વિસ્ફોટક બેટ્સમેન તેની ઝડપી અને આક્રમક બેટિંગ માટે જાણીતી છે. ડંકલી એકલા હાથે મેચનું પરિણામ બદલી શકે છે. તેણે પોતાની બેઝ પ્રાઇસ 50 લાખ રાખી છે. ઇંગ્લેન્ડ માટે રમેલી 81 T20 મેચોમાં તેણે 123ના સ્ટ્રાઇક રેટથી 1,463 રન બનાવ્યા છે, જેમાં 7 અડધી સદી સામેલ છે.

સોફી મોલિન્યુક્સ
ઓસ્ટ્રેલિયાની કેપ્ટન સોફી મોલિન્યુક્સ પોતાની સ્પિન બોલિંગથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકવા માટે જાણીતી છે. બોલિંગ ઉપરાંત તે આખરી ઓવરોમાં બેટિંગથી પણ મહત્વનું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. તેણે પોતાની બેઝ પ્રાઇસ 50 લાખ નક્કી કરી છે.

ચમારી અટાપટ્ટુ 
શ્રીલંકન ટીમની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તાજેતરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓપનર તરીકે પોતાની આક્રમક બેટિંગથી તે કોઈપણ બોલિંગ એટેકને ધ્વસ્ત કરી શકે છે. તે બોલિંગમાં પણ ઉપયોગી સાબિત થાય છે, જેના કારણે તેને ટીમમાં સામેલ કરવા ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી શકે છે.

 જી કમાલિની 
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન જી કમાલિનીએ માત્ર 18 વર્ષની ઉંમરે પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે મિની ઓક્શન પહેલાં તેને રિલીઝ કરી છે. વિકેટકીપરની જરૂરિયાત પૂરી કરવાની સાથે તે પોતાની તાબડતોડ બેટિંગથી મેચનું પાસું પલટી શકે છે, જેથી ઘણી ટીમો તેને ખરીદવા જોર લગાવશે.

સ્નેહ રાણા 
દિલ્હી કેપિટલ્સ દ્વારા રિલીઝ કરાયા બાદ સ્નેહ રાણાનું નામ પણ આ મિની ઓક્શનમાં સામેલ છે. ભારતીય પરિસિ્થતિઓમાં તેની ઓફ-સ્પિન બોલિંગ ખૂબ અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત તે નીચલા ક્રમે આવીને ઝડપી રન બનાવવામાં પણ સક્ષમ છે. સ્નેહે પોતાની બેઝ પ્રાઇસ 30 લાખ રાખી છે.