Loading Please Wait !!!
સુરતના સરથાણા ઝૂમાં વાઘ પર પથ્થરમારો, વીડિયો વાયરલ થતા રોષ

  • આરામ કરતા વાઘને ચીડવતા યુવકને જોઈ પ્રાણીપ્રેમીઓમાં ફેલાયો આક્રોશ
  • સીસીટીવી તપાસી યુવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી
  • વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના લીરેલીરા, જવાબદારો સામે પગલાં લેવાની માંગ

સિટી ન્યુઝ @ સુરત

સુરતના સરથાણા નેચર પાર્ક ઝૂમાંથી એક અત્યંત શરમજનક અને આઘાતજનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક પાંજરામાં શાંતિથી બેઠેલા વાઘ પર પથ્થરમારો કરતો જોવા મળી રહ્યો છે. માત્ર છ સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક વાઘને ઉશ્કેરવાના બદઈરાદાથી પથ્થર ફેંકી રહ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પ્રાણીપ્રેમીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે રોષની લાગણી જન્માવી છે.

સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે જ્યારે આ યુવક પથ્થરમારો કરી રહ્યો હતો, ત્યારે તેની આસપાસ અન્ય મુલાકાતીઓ પણ હાજર હતા, પરંતુ કોઈએ તેને અટકાવવાનો કે ટોકવાનો પ્રયાસ કર્યો નહોતો. વન્યજીવ પ્રેમીઓએ આ હરકતને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટનો ખુલ્લો ભંગ ગણાવીને તંત્રને કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત આ ઝૂમાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે કે ઝૂ સત્તાધીશો તાત્કાલિક સીસીટીવી ફૂટેજની તપાસ કરી આ યુવકની ઓળખ કરે અને તેની સામે કાનૂની પગલાં લે. સરથાણા ઝૂમાં અગાઉ પણ મુલાકાતીઓ દ્વારા પ્રાણીઓને હેરાન કરવાની ઘટનાઓ બની ચૂકી છે, જે વન્યજીવોના સ્વાસ્થ્ય અને તેમના કુદરતી વર્તન પર ગંભીર અસર કરે છે. આવા અસામાજિક તત્વોને કડક સંદેશ મળે તે હેતુથી તંત્ર દ્વારા હવે કેવી કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું રહ્યું.

પ્રાણીઓને હેરાન કરવાના જોખમો

ઝૂમાં રહેલા વન્યજીવોને પથ્થર મારવા કે પ્રતિબંધિત ખાવાનું ફેંકવું એ માત્ર કાનૂની ગુનો જ નથી, પણ પ્રાણીઓની માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. સતત ઉશ્કેરણીને કારણે પ્રાણીઓ આક્રમક બની શકે છે, જે મુલાકાતીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. વન્યજીવોનું કુદરતી વર્તન જળવાઈ રહે તે માટે મુલાકાતીઓએ જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે. આવા કૃત્યો કરનારાઓ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કડક દંડ અને જેલની જોગવાઈ છે.