Loading Please Wait !!!
નવાગામ ચિરોડામાં પ્રેમ સંબંધની અદાવતમાં લોહિયાળ જંગ: બે પક્ષો વચ્ચે ધીંગાણું

  • પાઈપ અને ધોકા ઉછળ્યા, મહિલા સહિત અનેક લોહીલુહાણ; વરતેજ પોલીસમાં સામસામે ફરિયાદ.
  • પ્રેમ સંબંધના વેરની વસૂલાત કરવા ધોકાવાળી થઈ, ઈજાગ્રસ્તો હોસ્પિટલ ભેગા.
  • પોલીસના ચક્રો ગતિમાન, કાયદેસરની કાર્યવાહીથી ગામમાં સન્નાટો

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક હેઠળ આવતા નવાગામ ચિરોડા ગામમાં જૂના પ્રેમ સંબંધની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો છે. લગ્ન કરવાની જીદ અને રસ્તા પરથી પસાર થવા જેવી સામાન્ય બાબતોમાં ઉભી થયેલી તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પરિવારોએ એકબીજા પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરતા મહિલા સહિત અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, પ્રથમ પક્ષના ફરિયાદી રાહુલ કાળુભાઈ મકવાણા (ઉ.વ. 20) એ આક્ષેપ કર્યો છે કે જ્યારે તે પાનની દુકાને જઈ રહ્યો હતો ત્યારે ગામના કિરણદાસ અગ્રવાત, સુરેશ નિમાવત અને અભિષેકે તેને અટકાવ્યો હતો. "તારાથી અમારા ઘર પાસેથી કેમ નીકળાય?" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. રાહુલના જણાવ્યા મુજબ, એક વર્ષ પહેલા તેને ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તે યુવતી લગ્ન કરવા માંગતી હતી. આ જૂની અદાવત રાખીને ત્રણેય શખ્સોએ તેના ઘરે ઘૂસીને હુમલો કર્યો હતો, જેમાં રાહુલ અને તેના મામા લલિતભાઈ તથા ગણેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા વરતેજ હોસ્પિટલ ખસેડાયા હતા.

સામે પક્ષે કિરણદાસ કાળીદાસ અગ્રાવતે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે તે યુવતીએ રાહુલ સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હોવાથી રાહુલ, લલિત અને ગણેશ મકવાણા ઉશ્કેરાઈ ગયા હતા. આ પક્ષનો આક્ષેપ છે કે રાહુલે લોખંડના પાઈપ વડે અભિષેકના માથામાં ગંભીર ઘા માર્યો હતો, જ્યારે અન્ય શખ્સોએ કિરણદાસની પત્ની અને સુરેશભાઈ પર ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ગામમાં થયેલી આ હિંસક અથડામણને પગલે ચકચાર મચી ગઈ છે. વરતેજ પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને તટસ્થ તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે કુલ 6 શખ્સો સામે BNS ની કલમ 115(2), 352, 351(2), 54 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાને પગલે ગામમાં થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી.

પોલીસે હાલમાં બંને પક્ષે થયેલી મારામારીના પુરાવા એકત્રિત કરવા અને હુમલામાં વપરાયેલા હથિયારો જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રેમ સંબંધમાં લગ્ન કરવા કે ન કરવા જેવી અંગત બાબતો જ્યારે જાહેર હિંસામાં પરિણમે છે ત્યારે તેનાથી ગામની શાંતિ પણ જોખમાય છે. વરતેજ પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પક્ષકારો વચ્ચે ફરીથી સંઘર્ષ ન થાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.