Loading Please Wait !!!
ભાવનગરમાં જૂના પ્રેમ પ્રકરણમાં લોહીયાળ જંગ: બે પરિવારો વચ્ચે ઉગ્ર મારામારી

  • સરિતા સોસાયટીમાં મહિલાઓ વચ્ચેની બોલાચાલીએ ધારણ કર્યું હિંસક સ્વરૂપ; 11 સામે ફરિયાદ
  • પતિ ગાયબ થતા પત્નીએ પ્રેમિકાને ઘરે બોલાવી; વાતચીત દરમિયાન મામલો બિચક્યો
  • બોરતળાવ પોલીસે બંને પક્ષોની રજૂઆત બાદ 11 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી.

સિટી ન્યુઝ @ ભાવનગર : ભાવનગર શહેરના સરિતા સોસાયટી વિસ્તારમાં જૂના પ્રેમ પ્રકરણને લઈને બે મહિલાઓ અને તેમના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ નામજોગ કુલ 11 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ પક્ષ તરફથી વિશ્વબા ગોહિલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ છેલ્લા છ દિવસથી ઘરે આવ્યા નહોતા અને તેમનો ફોન પણ સ્વિચ ઓફ હતો. તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે તેમના પતિને સોનલબા જાડેજા સાથે પ્રેમ સંબંધ છે. ગત તા. 1/5 ના રોજ સોનલબાએ ફોન કરીને સરનામું માંગતા વિશ્વબાએ તેમને ઘરે બોલાવ્યા હતા. ત્યાં વાતચીત દરમિયાન સોનલબા અને તેમની ભાભી ઉર્મિલાબાએ ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન સોનલબાનો ભાઈ અનિરૂદ્ધસિંહ અને તેનો મિત્ર શક્તિસિંહ ત્યાં ધસી આવ્યા હતા અને મહિલાઓ સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

સામા પક્ષે સુભાષનગર આવાસમાં રહેતી સોનલબા જાડેજાએ ફરિયાદ નોંધાવી છે કે તેમને ભૂતકાળમાં વિશ્વજીતસિંહ સાથે સંબંધ હતો, જે હાલમાં નથી. છતાં વિશ્વબાએ શંકા રાખીને ઝઘડો કર્યો હતો. સોનલબા જ્યારે વાત કરવા વિશ્વબાના ઘરે ગયા, ત્યારે વિશ્વબા અને તેમના પરિવારના સભ્યો મહિપતસિંહ ગોહિલ સહિત અન્યોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સોનલબાને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચતા તેમને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ બોરતળાવ પોલીસે બંને પક્ષોની દલીલો સાંભળી છે. સોનલબાની ફરિયાદના આધારે પોલીસે વિશ્વબા ગોહિલ, ક્રિતીબા, રીધીબા, અજુબા, કૃપાબા, મહિપતસિંહ અને મનહરસિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે વિશ્વબાની ફરિયાદ પર સોનલબા, ઉર્મિલાબા, અનિરૂદ્ધસિંહ અને શક્તિસિંહ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. ઈજાગ્રસ્તોની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાને પગલે સરિતા સોસાયટી વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. પ્રેમ પ્રકરણમાં થયેલી આ મારામારીએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે.