વિરાણી મેદાન બચાવવા વિદ્યાર્થી સંગઠનની કાનૂની લડત યથાવત
» વિદ્યાર્થીઓની અરજી માત્ર ટેકનિકલ કારણોસર રદ, ગુણદોષના આધારે નહીં
» પ્રાંત અધિકારીએ જમીનનો ખાનગી સત્તાપ્રકાર રદ કરી શૈક્ષણિક હેતુ દર્શાવ્યો
» મેદાનના વેચાણમાં નિષ્ફળ જતા ખાનગી ટ્રસ્ટીઓએ 6 નવા સભ્યો નીમ્યા
સીટી ન્યૂઝ@રાજકોટ
વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી પ્રવિણ ચોવટીયાની પ્રેસનોટનો પ્રત્યુત્તર આપતા વિરાણી મેદાન બચાવો સમિતિના અગ્રણી પુરુષોત્તમ પીપરીયાએ સ્પષ્ટતા કરી છે કે, જમીન મામલે વિદ્યાર્થીઓની અરજી માત્ર ‘લોકસ સ્ટેન્ડી’ (Locus Standi) ના ટેકનિકલ કારણોસર રદ થઈ છે. બીજી તરફ, સરકારી વકીલ કમલેશ ડોડીયા અને વિદ્યાર્થીઓના વકીલ રવિ ગોગીયાની સચોટ દલીલોના આધારે, પ્રાંત અધિકારી ચાંદની પરમારે જમીનની ખાનગી માલિકી (સત્તાપ્રકાર ૯) રદ કરી તેને ફરીથી શૈક્ષણિક હેતુ (સત્તાપ્રકાર ૧૫ અને ૬) તરીકે નોંધવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે. આથી ટ્રસ્ટીઓને કોઈ ક્લીન ચિટ મળતી નથી.
વર્ષ ૧૯૪૬ માં સામાન્ય વર્ગના બાળકો માટે સ્થાપાયેલી શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી શાળા માટે સરકારે સનદ નં. ૧/૫૧ હેઠળ માત્ર શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવી હતી. આ ઉપરાંત, બાંધકામ ખર્ચની ૮૩% ગ્રાન્ટ પણ સરકારે આપી હતી, જેમાં જમીન વેચી કે ભાડે ન આપવાની સ્પષ્ટ શરત હતી.
આમ છતાં, શ્રેયાંશ વિરાણી અને તેમના પરિવારે ૨૦૧૯ માં ૧૬૫૦ ના માત્ર ૩૪૪૦ રૂપિયાના વાઉચરના આધારે આ જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો. ૧૦૦ રૂપિયાથી વધુ કિંમતની મિલકત માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં આ ગેરરીતિ આચરવામાં આવી હતી. જોકે, પુરુષોત્તમ પીપરીયાની સમયસૂચકતા અને કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆતના કારણે આ વેચાણ અંતિમ ઘડીએ અટકી ગયું હતું.
જમીન વેચવામાં નિષ્ફળ જતા શ્રેયાંશ વિરાણીએ તાજેતરમાં ૬ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરી છે. પીપરીયાએ આક્ષેપ કર્યો છે કે, આ નવા ટ્રસ્ટીઓનું શિક્ષણક્ષેત્રે કોઈ પ્રદાન નથી અને તેમાંના કેટલાક મની લેન્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સક્ષમ ઓથોરિટીએ આ નિમણૂકો પાછળનો મૂળભૂત હેતુ તપાસવો જોઈએ.
આ અન્યાય સામે લડવા પરાક્રમસિંહ જાડેજા, કીર્તિકુમાર ઉપાધ્યાય, અનામિક શાહ, જતીન ભરોડ અને અતુલ રાઠોડ જેવા નગરશ્રેષ્ઠીઓ એકજૂટ થયા છે. એડવોકેટ રવિ ગોગીયાની ટીમ ૧ રૂપિયાના ટોકન દરે આ લડત સુપ્રીમ કોર્ટ સુધી લડવા પ્રતિબદ્ધ છે. ગત ૨૭-૧૨-૨૦૨૫ ના રોજ યોજાયેલા ઐતિહાસિક મહાસંમેલનમાં હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિરાણી મેદાન બચાવવા કાનૂની લડત ચાલુ રાખવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.