Loading Please Wait !!!
ઉધના સ્ટેશન પર રવિવારે ‘રેલમછેલ’ અને સોમવારે ‘સન્નાટો’: ભાગદોડ બાદ આજે કાગડા ઉડે તેવા દ્રશ્યો

 

  • વેકેશનના કારણે ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતા; રેલવે દ્વારા જનરલ કોચવાળી સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા

  •  28 હજાર મુસાફરોની ભીડ બાદ આજે સ્ટેશન પર રાહત; શનિ, રવિ અને મંગળવારે ફરી ‘વતન જવાની વાટ’ પકડશે શ્રમિકો

  •  5 હજાર મુસાફરો ગઈકાલે ટ્રેન વગર પરત ફર્યા હતા; રેલવે પ્રશાસન હવે ત્રણ દિવસ દોડાવશે સ્પેશિયલ ટ્રેનો

    દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ વેકેશન, કારખાનાઓમાં રજા અને વર્તમાન યુદ્ધની સ્થિતિને પગલે રાંધણગેસની અછતના ડરે હજારો પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જે પ્રચંડ ભીડ અને ભાગદોડ જોવા મળી હતી, તેની સામે આજે સોમવારે તસવીર સાવ બદલાઈ ગઈ છે. ગઈકાલે જ્યાં પગ મૂકવાની જગ્યા નહોતી ત્યાં આજે ‘કાગડા ઉડે’ તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

    ગઈકાલે શું થયું હતું? રવિવારે અંદાજે 28 હજારથી વધુ મુસાફરો ઉધના સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરો બેરિકેટ પર ચઢી ગયા હતા, જેના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. 28 હજારમાંથી માત્ર 23 હજાર મુસાફરોને જ ટ્રેનમાં જગ્યા મળી શકી હતી, જ્યારે 5 હજારથી વધુ શ્રમિકોએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.

    વેકેશનમાં ત્રણ દિવસ રહેશે ભીડ રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, વેકેશન દરમિયાન આ પ્રકારની ભીડ આખા અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ – શનિવાર, રવિવાર અને મંગળવાર ના રોજ રહેવાની શક્યતા છે. આજે સોમવારે હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ પર સામાન્ય દિવસોની જેમ જ મુસાફરો જોવા મળ્યા હતા, જેમને લાઈનબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા.

    રેલવેની વિશેષ વ્યવસ્થા ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા આ ત્રણ દિવસોમાં જનરલ કોચવાળી ત્રણ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિસા તરફ જતા મુસાફરોની હાલાકી ઓછી કરવા માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે.