યુએનમાં ભારતે પાકિસ્તાનને આડેહાથ લઈને જડબાતોડ જવાબ આપ્યો!
-
કારગીલ યુદ્ધમાં પોતાના સૈનિકોના શબ નકારનાર પાકિસ્તાન ચૂપ!
-
આતંકીઓની પેરવી કરનાર પાકિસ્તાનને ભારતે યુએનમાં ઘેરી લીધું!
-
ભારતીય સેનાએ પાક સૈનિકોને ઈસ્લામી રીતિ-રિવાજથી દફનાવ્યા હતા!
સિટી ન્યુઝ @ ન્યુયોર્ક
સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાનને આડેહાથ લેતા આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે પાકિસ્તાન હંમેશાં આતંકીઓના અધિકારોની પેરવી કરે છે પરંતુ આતંકવાદના પીડિતોના અધિકારો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન રહે છે. તાજેતરમાં ધાર્મિક સ્વતંત્રતા અને આસ્થાના અધિકાર અંગેના યુએનના વિશેષ રિપોર્ટરના અહેવાલમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા અભિયાનો દરમિયાન માર્યા ગયેલા આતંકીઓના અંતિમ સંસ્કાર અને શબ સોંપવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ અહેવાલના જવાબમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની સચિવ ભાવિકા મંગલાનંદને પાકિસ્તાનની પોલ ખોલતા યાદ અપાવ્યું કે જે દેશે 1999 ના કારગીલ યુદ્ધમાં પોતાના જ સૈનિકોના શબો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, તે આજે ધાર્મિક સ્વતંત્રતા અને દફનાવવાના અધિકારોની વાતો કરે છે.
ભારતે સ્પષ્ટપણે જણાવ્યું કે તે સમયે ભારતીય સેના દ્વારા જ પાકિસ્તાની સૈનિકોના શબને માનવતા દાખવીને ઈસ્લામી રીતિ-રિવાજો મુજબ સન્માનપૂર્વક દફનાવવામાં આવ્યા હતા, જે પાકિસ્તાનના બેવડા ચહેરાને ઉજાગર કરે છે. આ રીતે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને અરીસો દેખાડીને તેના દ્વારા કરવામાં આવતા પ્રચાર અને દંભી વલણનો પર્દાફાશ કર્યો છે.
યુએનમાં ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર
સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે પાકિસ્તાનના બેવડા ધોરણો અને આતંકવાદી સમર્થનનો પર્દાફાશ કરીને વૈશ્વિક સ્તરે મોટો સંદેશ આપ્યો છે. જે દેશ પોતાના જ સૈનિકોના મૃતદેહો સ્વીકારવામાં શરમ અનુભવતો હોય, તેને માનવ અધિકારો કે ધાર્મિક સ્વતંત્રતા પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આતંકવાદના મુદ્દે ભારતની આ સ્પષ્ટ અને મક્કમ ભૂમિકા દેશની મજબૂત વિદેશનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.