Loading Please Wait !!!
ટ્રમ્પની અણધારી જાહેરાતથી ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ ભારે આશ્ચર્યમાં

  • અમેરિકા-ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ અને MoU ના દાવાથી વૈશ્વિક રાજકારણ ગરમાયું
  • સહયોગી ઈઝરાયલને અંધારામાં રાખીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો આંતરરાષ્ટ્રીય નિર્ણય
  • હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલવા અને પરમાણુ કાર્યક્રમ પર નવી ચર્ચા કરવા તેહરાન સહમત થયાનો દાવો

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરૂદ્ધ સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગુરુવારે કરવામાં આવેલી એક અણધારી જાહેરાતે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભારે આંચકો આપ્યો છે. આ આશ્ચર્ય પાછળનું મુખ્ય કારણ એ છે કે અમેરિકાએ આટલા મોટા નિર્ણય અંગે ઈઝરાયલને પહેલાં કોઈ જ માહિતી આપી ન હતી. પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના નેતૃત્વએ એક MoUને મંજૂરી આપી દીધી છે, જેના કારણે 60 દિવસ માટે યુદ્ધ અટકી શકે છે અને હોર્મુઝ સ્ટ્રેટનો મહત્વનો દરિયાઈ માર્ગ ફરી ખુલી શકે છે. આ સફળતાને જોતા ટ્રમ્પે ઈરાન વિરૂદ્ધ આયોજિત અમેરિકન હુમલાઓ હાલ પૂરતા રોકી દીધા છે.

અમેરિકન સમાચાર એજન્સી 'એક્સિયોસ' ના અહેવાલ અનુસાર, પ્રસ્તાવિત ડીલનો ખુલાસો કરવામાં આવ્યો તે પહેલાં નેતન્યાહૂને સંપૂર્ણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. જોકે, આ જાહેરાત બાદ તરત જ નેતન્યાહૂએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી સત્તાવાર નિવેદન દ્વારા અમેરિકન પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. નેતન્યાહૂએ જણાવ્યું કે, ભલે ઈઝરાયલ આ ડીલનો સીધો ભાગ નથી, પરંતુ અંતિમ કરારમાં ઈરાન પાસેથી પરમાણુ સામગ્રી હટાવવા, તેના પરમાણુ પ્લાન્ટના માળખાને નષ્ટ કરવા, મિસાઈલ ક્ષમતાને મર્યાદિત કરવા અને આતંકવાદી સંગઠનોને મળતું ઈરાનનું સમર્થન કાયમી ધોરણે બંધ કરાવવા માટે ટ્રમ્પે જે મક્કમતા બતાવી છે તે પ્રશંસનીય છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આ મોટો નિર્ણય કતારની સક્રિય મધ્યસ્થતા બાદ સામે આવ્યો છે. કતારના અધિકારીઓ અને ઈરાનના પ્રતિનિધિઓએ બેઠકો કરીને ઈરાનની જપ્ત થયેલી સંપત્તિઓને મુક્ત કરવા અને ભવિષ્યની પરમાણુ ચર્ચાઓના માળખા જેવા મુખ્ય મુદ્દાઓ પરના મતભેદો ઉકેલી લીધા છે. બીજી તરફ, ઈરાને ટ્રમ્પના આ નિવેદનને સરેઆમ ફગાવી દીધું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે અમેરિકા પોતાનું વલણ વારંવાર બદલી રહ્યું છે અને નવી શરતો સામે રાખી રહ્યું છે. જોકે, ટ્રમ્પે સંકેત આપ્યા છે કે આ વીકેન્ડ પર યુરોપમાં ઉપપ્રમુખ જેડી વેન્સના નેતૃત્વમાં આ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.

જેડી વેન્સના નેતૃત્વમાં કરાર પર હસ્તાક્ષર થવા અંગે આશંકા

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે આ વીકેન્ડ પર યુરોપમાં ઉપપ્રમુખ જેડી વેન્સના નેતૃત્વમાં આ ઐતિહાસિક કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થઈ શકે છે. જોકે ઈરાન દ્વારા અમેરિકાની નવી શરતો સામે વાંધો ઉઠાવવામાં આવતા આ ડીલના ભવિષ્યને લઈને બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ હજુ પણ ભારે આશંકા અને અનિશ્ચિતતા વ્યક્ત કરી રહ્યા છે.