Loading Please Wait !!!
કેદારનાથમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત, પુત્રનો CM ધામીને સણસણતો સવાલ: "સીએમને હેલિકોપ્ટર મળે તો ડેડબોડીને કેમ નહીં?"

 

  • 2 કલાક સુધી તડકામાં રઝળ્યો મૃતદેહ; વહીવટીતંત્રની બેદરકારી અને સંવેદનહીનતાથી શ્રદ્ધાળુ પરિવાર લાચાર

  •  મેડિકલ ટીમ 1.5 કલાક મોડી પહોંચી; હેલિપેડ પર મૃતદેહ રઝળ્યો હોવા છતાં પ્રશાસને ભાડાના નામે માંગી મોટી રકમ

  • વડોદરાના હેમંત માલીએ જણાવી આપવીતી; શું ભક્તોના મૃત્યુ બાદ તેમની કોઈ કિંમત નથી?

     

    વડોદરા: ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાના પ્રારંભે જ વડોદરાના એક શ્રદ્ધાળુ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્યાના પહેલા જ દિવસે વડોદરાના રાજમહેલ રોડ પર રહેતા અને ‘ત્રિમૂર્તિ ટ્રાવેલ્સ’ ના સંચાલક હેમંત માલીના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જોકે, આ દુઃખદ ઘટના કરતા પણ વધુ કરુણ બાબત એ હતી કે મૃત્યુ બાદ તેમના મૃતદેહને નીચે લાવવા માટે પરિવારે કલાકો સુધી વહીવટીતંત્રની સંવેદનહીનતા સામે સંઘર્ષ કરવો પડ્યો હતો.

    વહીવટીતંત્રની ઘોર બેદરકારી મૃતકના પુત્ર હેમંતે આરોપ લગાવ્યો છે કે પિતાને એટેક આવ્યા બાદ ૧૦૦ નંબર પર ફોન કરવા છતાં મેડિકલ ટીમ દોઢ કલાક સુધી પહોંચી ન હતી. અંતે મજબૂરીમાં પિતાને પીઠ્ઠુ (મજૂર) પર બેસાડી હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આટલું ઓછું હોય તેમ, મૃતદેહને નીચે પહોંચાડવા માટે હેલિકોપ્ટરની સુવિધા આપવાને બદલે પ્રશાસને હાથ અધ્ધર કરી દીધા હતા. હેમંતે આક્રોશ સાથે પૂછ્યું હતું કે, "જો મુખ્યમંત્રીને હેલિકોપ્ટર મળી શકતું હોય તો એક મૃત શ્રદ્ધાળુને નીચે મોકલવા માટે કેમ નહીં?"

    પૈસાની માંગ અને લાચારી હેમંત માલીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે રુદ્રપ્રયાગના ડીએમ દ્વારા જે એમ્બ્યુલન્સનો નંબર અપાયો હતો, તેઓ દિલ્હી એરપોર્ટ સુધીના ₹૧૬,૦૦૦ ની માંગણી કરી રહ્યા હતા. ૨ કલાક સુધી પિતાનો મૃતદેહ હેલિપેડ પર તડકામાં પડી રહ્યો હતો. બીજી તરફ UCADA (યુકાડા) ના સીઈઓએ દાવો કર્યો છે કે જેવી સૂચના મળી તેના ૧૫ મિનિટમાં જ હેલિકોપ્ટરની સુવિધા આપી દેવામાં આવી હતી. જોકે, પરિવારની આપવીતી કંઈક અલગ જ વાર્તા કહે છે.

    ૪ દિવસમાં શ્રદ્ધાળુઓના મોત યાત્રાના પ્રારંભિક દિવસોમાં જ મોતના આંકડા વધી રહ્યા છે. યમુનોત્રી માર્ગ પર મધ્યપ્રદેશની મહિલાનું ઘોડા પરથી પડી જતા અને મહારાષ્ટ્રના વૃદ્ધનું ચઢાણ દરમિયાન શ્વાસની તકલીફથી મોત થયું છે. વડોદરાના આ પરિવાર સાથે ૭૦ લોકોની ટૂર ગઈ હતી, જે હવે માતમમાં ફેરવાઈ ગઈ છે. હેમંતભાઈ પોતાના પરિવાર સાથે પિતાના પાર્થિવ દેહને લઈ વડોદરા પરત ફરી રહ્યા છે. આ ઘટનાએ ઉત્તરાખંડ સરકારના સુરક્ષા અને સુવિધાના દાવાઓની પોલ ખોલી નાખી છે