વલભીપુરનું તંત્ર નિંદ્રાધીન: હળીયાદ માર્ગ પર ઘેલો નદીનો કોઝવે બન્યો ‘ડેથ ટ્રેપ’, વર્ષોથી ઊંચો બ્રિજ બનાવવાની માંગણી વણઉકેલી
-
ચોમાસામાં ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે આફત; તૂટેલા પાઈપોને કારણે દર વર્ષે નિર્દોષોના લેવાય છે ભોગ
-
નદીમાં પૂર આવે ત્યારે ખેતરે જવું પણ મુશ્કેલ; પીપળી અને પચ્છેગામના લોકોએ ખાવા પડે છે લાંબા ફેરા
-
નદીમાં ન્હાવા પડતા યુવાનો માટે પાઈપો બને છે જીવલેણ; તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
વલભીપુરથી હળીયાદ જવાના માર્ગ પર ઘેલો નદી પર આવેલો બેઠો પુલ (કોઝવે) હાલના સમયે તંત્રની ઘોર ઉદાસીનતાનું પ્રતીક બની ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ કોઝવેને ઉંચો કરી બ્રિજ બનાવવાની લોક માંગણી હોવા છતાં, સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતો, શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે આફત આ કોઝવે માત્ર હળીયાદ ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વલભીપુરના પ્રસિદ્ધ નિમબાર્ક આશ્રમ (શ્રી વૈજનાથ મહાદેવ મંદિર) જવાનો આ મુખ્ય રસ્તો છે. ચોમાસામાં જ્યારે ઘેલો નદીમાં પૂર આવે છે, ત્યારે મંદિર સંપર્ક વિહોણું બની જાય છે. એટલું જ નહીં, આ વિસ્તારના અનેક ખેડૂતોની જમીન નદીની પેલે પાર હોવાથી પૂરના સમયે તેઓ દિવસો સુધી ખેતરે જઈ શકતા નથી. હળીયાદ, પીપળી અને પચ્છેગામના લોકોએ મજબૂરીમાં જૂના રામપર થઈને લાંબો ફેરો કરવો પડે છે.
જીવના જોખમે અવરજવર સૌથી ગંભીર બાબત એ છે કે આ કોઝવેમાં નાની સાઈઝના પાઈપો મૂકીને તેના પર સી.સી. કરવામાં આવ્યું છે, જે હવે મૂળમાંથી તૂટવા લાગ્યા છે. ચોમાસામાં નદીમાં ન્હાવા જતા યુવાનો ઘણીવાર આ તૂટેલા પાઈપોમાં ફસાઈ જાય છે, જેના કારણે ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આટલી ગંભીર ઘટનાઓ છતાં તંત્ર દ્વારા અહીં મધ્યમ કે મોટા કક્ષાનો બ્રિજ બનાવવાની દરખાસ્ત કેમ મંજૂર કરવામાં આવતી નથી, તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોની માંગ છે કે ચોમાસું શરૂ થાય તે પહેલા આ જોખમી કોઝવેનું નિરાકરણ લાવવામાં આવે.