PM મોદીની અપીલથી સુરતનો જ્વેલરી ઉદ્યોગ સ્તબ્ધ: ટર્નઓવર 80% સુધી ઘટી જવાની ભીતિ
- સોનાના વેચાણમાં કડાકાની આશંકાથી ઝવેરીઓમાં ફફડાટ; 6 લાખ કારીગરોની રોજગારી પર સંકટ
- જૂનું સોનું બજારમાં ફરતું થશે તો જ ઉદ્યોગ બચશે; પીએમની અપીલ બાદ જ્વેલરી હબમાં ચિંતા
- ભાવ વધારા બાદ હવે અપીલની અસર; ટર્નઓવર માત્ર 20% જ રહી જવાનો વેપારીઓનો દાવો
સિટી ન્યુઝ @ સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વધતી જતી આયાત ખાધ (Import Deficit) ને અંકુશમાં લેવા માટે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે કરેલી અપીલની સીધી અસર સુરતના જ્વેલરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ભારત માટે સોના અને ક્રૂડની જંગી આયાત વિદેશી હૂંડિયામણ પર મોટું ભારણ ઉભું કરે છે. વડાપ્રધાનની આ આર્થિક ચિંતા સાથે સુરતના જ્વેલર્સ સહમત તો છે, પરંતુ આ નિર્ણયથી ઉદ્યોગ અને લાખો કારીગરો પર પડનારી લાંબાગાળાની અસરોને લઈને ભારે ટેન્શનમાં જોવા મળી રહ્યા છે.
ટર્નઓવરમાં 80% સુધીના ગાબડાની આશંકા સુરતના જાણીતા જ્વેલર દીપક ચોકસીએ ઝવેરીઓની વર્તમાન આર્થિક સ્થિતિ અંગે ચિંતાજનક આંકડા રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે, સોનાના ભાવમાં તાજેતરમાં થયેલા ધરખમ ઉછાળાને કારણે ઝવેરીઓનું ટર્નઓવર પહેલેથી જ 40% જેટલું ડાઉન હતું. હવે વડાપ્રધાનની અપીલ બાદ જો લોકો ખરીદી બંધ કરશે, તો વેચાણમાં વધુ 40% નો ઘટાડો થશે. એટલે કે, જ્વેલરી ઉદ્યોગનું કુલ ટર્નઓવર ઘટીને માત્ર 20% પર આવી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
6 લાખ કારીગરોની રોજીરોટીનો પ્રશ્ન સુરત માત્ર ડાયમંડ જ નહીં પણ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું પણ મોટું હબ છે. આ ક્ષેત્ર સાથે અંદાજે 2000 થી 2500 જેવી પેઢીઓ સંકળાયેલી છે અને 5 થી 6 લાખ કારીગરો અહીં કામ કરે છે. ઉદ્યોગકારોને ચિંતા એ છે કે જો બજારમાં સોનાની માંગ ઘટી જશે, તો આ હસ્તકલા અને કારીગરી સાથે જોડાયેલા લાખો પરિવારોની રોજીરોટી પર સંકટ આવી શકે છે. કારીગરોને સતત કામ મળતું રહે તે અત્યારે સૌથી મોટું પડકાર છે.
નવી સ્કીમ લાવવા જ્વેલર્સની માંગ જ્વેલર્સે સરકારને સૂચન કર્યું છે કે જો સરકાર ‘જૂના સોનાને ચલણમાં લાવવાની’ અથવા ‘ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ’ ને વધુ અસરકારક રીતે અમલી બનાવે, તો નવું સોનું આયાત કરવાની જરૂર નહીં પડે અને બજારમાં સોનું ફરતું થશે. ભારતીય સંસ્કૃતિમાં જન્મથી મૃત્યુ સુધીના દરેક પ્રસંગો સાથે સોનું સંકળાયેલું હોવાથી, લોકોની લાગણી અને ઉદ્યોગની જાળવણી વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
આયાત અને રિઝર્વના આંકડા પર અસર વડાપ્રધાનની રજૂઆત પાછળનું મુખ્ય કારણ દેશના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) ને બચાવવાનું છે. સોનાની આયાત ઘટવાથી તિજોરી પરનું ભારણ ઘટશે તે નક્કી છે, પરંતુ સુરત જેવા ઉત્પાદન કેન્દ્રોને આર્થિક ફટકો ન પડે તે માટે સરકારે કોઈ વિશેષ રાહત કે યોજના જાહેર કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. હાલમાં સુરતના જ્વેલરી બજારમાં આ મામલે ભારે મડાગાંઠ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ અપીલની સાથે જ્વેલરી સેક્ટર માટે કોઈ પ્રોત્સાહક સ્કીમ જાહેર કરે છે કે કેમ.