Loading Please Wait !!!
સુરતમાં હૃદયદ્રાવક ઘટના: લગ્નને બરાબર 2 મહિના થયા અને એ જ તારીખે ઉદ્યોગપતિની પુત્રવધૂએ ગળેફાંસો ખાઈ લીધો

 

  • સુભાષનગરના કેજરીવાલ પરિવારમાં શોકનું મોજું; બંગલાના ત્રીજા માળે પરિણીતાએ કર્યું અંતિમ પગલું

  •  જમ્યા બાદ આરામ કરવા ગઈ અને રૂમ અંદરથી બંધ કરી લીધો; બીજી ચાવીથી દરવાજો ખોલતા જ પરિવાર સ્તબ્ધ

  • એસીપી વિજય મલ્હોત્રાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો; ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ

    શહેરના પોશ ગણાતા સુભાષનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના દાણા અને યાર્નના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા કેજરીવાલ પરિવારની ૨૭ વર્ષીય પુત્રવધૂ ખ્યાતિ અભિષેક કેજરીવાલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કરુણતા એ છે કે, આજે જ ખ્યાતિના લગ્નને બરાબર બે મહિના પૂર્ણ થયા હતા.

    રૂમનો દરવાજો ન ખુલતા ભાંડો ફૂટ્યો એસીપી વિજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, ખ્યાતિ બપોરે જમ્યા બાદ બંગલાના ત્રીજા માળે આવેલા પોતાના બેડરૂમમાં આરામ કરવા માટે ગઈ હતી. સાંજ સુધી તે રૂમની બહાર ન આવતા પરિવારજનોએ તેના પતિને જાણ કરી હતી. અંતે પરિવારના સભ્યોએ બીજી ચાવી વડે રૂમ ખોલ્યો ત્યારે અંદર ખ્યાતિએ પોતાના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું ભયાનક દ્રશ્ય સામે આવ્યું હતું.

    આપઘાતનું કારણ રહસ્યમય ઘટનાની જાણ થતા ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ જાણી શકાયું નથી. મૃતક ખ્યાતિનો સાસરી પક્ષ આર્થિક રીતે અત્યંત સધ્ધર હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને પરિવારના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.