SBI લૂંટનો ભેદ ઉકેલાયો: અયોધ્યાના આશ્રમમાં છુપાયેલો મુખ્ય આરોપી ઝડપાયો
- સુરત ક્રાઇમ બ્રાન્ચે યુપીના ગોંડાથી બે શખ્સોને દબોચ્યા; સગાઈ બાદ તુરંત જ આરોપી પકડાયો.
- 50 લાખની લૂંટનો માસ્ટરમાઈન્ડ શુભમ સિંહ અને આશરો આપનાર વિકાસ સિંહ ગિરફ્તાર
- લૂંટ બાદ અયોધ્યાના આશ્રમમાં લીધો હતો આશરો; ડિજિટલ સર્વેલન્સની મદદથી પોલીસને મળી સફળતા.
સિટી ન્યૂઝ @ સુરત: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં ગત 27 April ના રોજ થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ઉત્તર પ્રદેશના ગોંડા ખાતેથી મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસ સિંહની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન એટલું ફિલ્મી હતું કે પોલીસ ગ્રાહક બનીને આરોપીની દુકાને પહોંચી હતી અને સતત પીછો કરીને બંનેને ઝડપી પાડ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મુખ્ય આરોપી શુભમ સિંહ લૂંટ ચલાવીને સીધો રાયબરેલી પહોંચ્યો હતો, જ્યાં તેના મિત્ર વિકાસે તેને અયોધ્યામાં એક મહંતના આશ્રમમાં છુપાવવા માટેની સેફ પેસેજની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ ટીમે જ્યારે વિકાસની ધરપકડ કરી ત્યારે તેની સગાઈનું ફંક્શન પૂરું થયાને ગણતરીના કલાકો જ થયા હતા. ખુશીના માહોલ વચ્ચે ત્રાટકેલી પોલીસે વિકાસને દબોચી લેતા પરિવારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
આ લૂંટનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આરોપીઓએ તેલંગાણાથી ધીરજ કુમાર નામના ફેક આઈડી પર બાઈક ખરીદી હતી. લૂંટના એક મહિના અગાઉ જ તેઓ સુરત આવી ગયા હતા અને રાંદેર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને બેંકની રેકી કરી હતી. જોકે, ઓળખ છુપાવવા માટે લૂંટના બરાબર એક મહિના પહેલા જ તેમણે મકાન ખાલી કરી દીધું હતું. એરપોર્ટ રોડ પર લાગેલા ANPR કેમેરા અને બેંકના સીસીટીવી ફૂટેજની કડીઓ જોડીને પોલીસ આરોપીઓના સગડ મેળવવામાં સફળ રહી હતી.
ઉલ્લેખનીય છે કે, વરાછાની SBI શાખામાં પાંચથી વધુ હથિયારધારી લૂંટારૂઓ ઘૂસી આવ્યા હતા. તેમણે બેંકના સર્વિસ મેનેજર, કેશિયર અને ગ્રાહકો સહિત સૌને પિસ્તોલની અણીએ બંધક બનાવી 50 લાખ રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ બેંક કર્મચારીઓમાં ભયનો માહોલ છે અને સુરક્ષા વ્યવસ્થાની માંગ સાથે SBI કર્મચારીઓએ આગામી 25 અને 26 May ના રોજ હડતાળ પર જવાનું એલાન કર્યું છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે બેંક મેનેજમેન્ટ સુરક્ષા ગાર્ડની કાયમી ભરતી કરતું નથી.
હાલમાં યુપીની કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમને લઈને ગુજરાત આવવા રવાના થઈ છે. પોલીસનું હવે મુખ્ય ધ્યાન લૂંટના 50 લાખ રૂપિયા રિકવર કરવા અને આ ગુનામાં વપરાયેલા હથિયારો ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા પર છે. આ ઉપરાંત, આ લૂંટમાં સામેલ અન્ય ત્રણ લૂંટારૂઓ કોણ હતા અને શું આ કોઈ મોટી આંતરરાજ્ય ગેંગનું કામ છે, તે અંગેની પૂછપરછ સુરત લાવ્યા બાદ હાથ ધરવામાં આવશે.