Loading Please Wait !!!
સુરત પાલિકાની પ્રિમોન્સુન કામગીરીથી શાસકો સંતુષ્ટ, ખાડી સફાઈથી નારાજ

  • મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં અધિકારીઓના મોટા દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક
  • ખાડી પૂર નિવારણ કમિટીના એક્શન પ્લાનનું બાળમરણ, સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી ખુલ્લી પડી
  • જો નદીમાં પાણીનું વહન સરળતાથી નહીં થાય તો ડ્રેજિંગનો કરોડોનો ખર્ચ પાણીમાં જશે

સિટી ન્યુઝ @ સુરત

સુરત મહાનગરપાલિકામાં દર ચોમાસાએ સર્જાતી જળબંબાકારની ભયાનક સ્થિતિને ધ્યાને રાખીને પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીનું આજે શાસકો સમક્ષ સત્તાવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. નવી કમિટીની નિમણૂક બાદ મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી આ હાઈપ્રોફાઈલ સમીક્ષા બેઠકમાં પાલિકાની સામાન્ય પ્રિમોન્સુન કામગીરીથી તો શાસકો સંતુષ્ટ થયા છે, પરંતુ શહેરની જીવાદોરી સમાન ખાડી સફાઈની અત્યંત નબળી અને ધીમી કામગીરી સામે શાસક પક્ષે પ્રચંડ નારાજગી વ્યક્ત કરી અધિકારીઓનો આક્રમક ઉધડો લીધો છે. શાસકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મીંઢોળા નદીમાં પાણીનું વહન અવરોધ વિના સરળતાથી નહીં થાય, તો પાલિકાએ અત્યાર સુધી કરેલી ખાડી સફાઈ અને ડ્રેજિંગની કરોડો રૂપિયાની કામગીરીનો કોઈ અર્થ રહેશે નહીં.

આ બેઠકમાં ઇન્ચાર્જ સિટી ઇજનેર ધર્મેશ ભગવાગર દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારીઓનું ડિજિટલ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં જણાવાયું હતું કે શહેરમાં રસ્તાઓના ખોદાણના કિસ્સામાં પ્રોપર વોટરિંગ કરાવી રોડ રીસ્ટોરેશનની કામગીરી મોટાભાગે પૂર્ણ કરી દેવાઈ છે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન રોડના તાત્કાલિક પેચવર્ક માટે 2 હાઈટેક હોટમિક્ષ પ્લાન્ટ પણ સજ્જ કરાયા છે અને ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે ખાસ પમ્પિંગ મશીનો ગોઠવવામાં આવ્યા છે. જોકે, આ ગુલાબી ચિત્ર વચ્ચે ખાડી પૂર નિવારણની વાસ્તવિક સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક હોવાનું ખુદ શાસક પક્ષના પદાધિકારીઓએ બેઠકમાં ખુલ્લું પાડ્યું હતું.

કામગીરી અંગે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતાં અગ્રણી શાસક રાજન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કાગળ પર ખાડીની સફાઈ પૂર્ણ થઈ હોવાના દાવા થાય છે, પરંતુ જ્યાં આખરે પાણીનો નિકાલ થવાનો છે તે મીંઢોળા નદીના મુખે જ ડાયમંડ બુર્સની પાછળના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તાણી દેવાયેલા ઝીંગા તળાવોના મસમોટા દબાણો હજુ પણ જસાતસ યથાવત ઊભા છે. સિંચાઈ અને ખાડી વિભાગે આ દબાણો હટાવવામાં ઘોર બેદરકારી દાખવીને માત્ર 5 ટકા જેટલી જ નામપૂરતી કામગીરી કરી છે. આ આકરા આક્ષેપો બાદ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને મ્યુનિસિપલ કમિશનરે આગામી સપ્તાહે જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંયુક્ત આપાતકાલીન બેઠક યોજી અટવાયેલી કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવાની સત્તાવાર ખાતરી આપી છે.

ઝીંગા તળાવોના ગેરકાયદે દબાણો સત્વરે નહીં હટે તો એક્શન પ્લાન કાગળો પર રહેશે

મીંઢોળા નદીના મુખે સર્જાયેલા અવરોધના કારણે ચોમાસામાં સુરતના સેંકડો નીચાણવાળા વિસ્તારો ફરી પાણીમાં ડૂબે તેવી દહેશત છે. મેયરે આદેશ આપ્યો છે કે પ્રિમોન્સુન પ્રોજેક્ટ પાછળ પ્રજાની પરસેવાની કમાણીનો જે ખર્ચ કરાયો છે તેનો એક-એક રૂપિયો વસૂલ થવો જોઈએ. આગામી 7 દિવસમાં દબાણ કરનારા માફિયાઓ સામે કાનૂની પોલીસ કેસ કરીને જમીનદોસ્ત ઓપરેશન શરૂ કરવાની મિલિટરી સ્તરની તૈયારીઓ કરાશે.