Loading Please Wait !!!
હીરા નગરીના રત્નકલાકારોનો હુંકાર: ‘વ્યવસાય વેરો નાબૂદ કરો, નહીં તો મત નહીં’

 

  • સુરત મનપા સામે રત્નકલાકારોએ માંડ્યો મોરચો; 100 કરોડનો ટેક્સ વસૂલતી પાલિકા સામે ઉગ્ર આક્રોશ

  •  ‘જે સુરતને અમે ચમકાવ્યું ત્યાં જ અમારો અવાજ રૂંધાય છે’; હીરાના કારીગરોમાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી

  •  PF કે બોનસના ઠેકાણા નથી અને ટેક્સ વસૂલાય છે; રત્નકલાકારોએ પાલિકાને ગણાવી ‘વિશ્વની આઠમી અજાયબી’

    સુરતની શાન અને આર્થિક કરોડરજ્જુ ગણાતા હીરા ઉદ્યોગના લાખો રત્નકલાકારોમાં હાલમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે રત્નકલાકારોએ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા 'વ્યવસાય વેરા' (Profession Tax) વિરુદ્ધ ખુલ્લો મોરચો માંડ્યો છે. તેમની સ્પષ્ટ ચેતવણી છે કે જો આ વેરો નાબૂદ કરવામાં નહીં આવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે અથવા સત્તાધારી પક્ષ વિરુદ્ધ જશે.

    કારીગરોની વ્યથા: ‘અમારી પાસેથી ટેક્સ કેમ?’ રત્નકલાકારોનો આરોપ છે કે સામાન્ય રીતે વ્યવસાય વેરો માલિકોએ ભરવાનો હોય છે, પરંતુ સુરતમાં તે સીધો કારીગરોના પગારમાંથી કાપવામાં આવે છે. ઓમકાર સોરઠિયા નામના રત્નકલાકારે જણાવ્યું કે, "મારી ₹20,000ની સેલેરીમાંથી દર મહિને ₹200 કપાય છે. મનપા પોતાને નંબર વન કહે છે પણ મજૂરો પાસેથી ટેક્સ ઉઘરાવવો એ ક્યાંનો ન્યાય છે?" રત્નકલાકારોમાં એવો પણ કટાક્ષ છે કે પાલિકાની BRTS બસ સેવા જે વર્ષે ₹100 કરોડનું નુકસાન કરે છે, તેની ભરપાઈ રત્નકલાકારોના લોહી-પરસેવાના ટેક્સમાંથી કરવામાં આવે છે.

    કોઈ લાભ નથી, માત્ર ટેક્સ વસૂલાય છે ડાયમંડ વર્કર યુનિયનના જણાવ્યા મુજબ, રત્નકલાકારોને PF, ગ્રેજ્યુઈટી, હક રજા કે બોનસ જેવા કોઈ પણ કાયદેસરના લાભો મળતા નથી. તેમ છતાં પાલિકા વર્ષે અંદાજે ₹80થી 100 કરોડ જેટલો ટેક્સ આ ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિકો પાસેથી ઉઘરાવે છે. રત્નકલાકારોનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં ₹200ની બચત પણ તેમના માટે મોટી વાત છે.

    રાજકીય પક્ષો માટે કપરા ચઢાણ હવે જ્યારે ઉમેદવારો પ્રચાર માટે નીકળશે ત્યારે રત્નકલાકારો તેમને પાયાના સવાલો પૂછવા તૈયાર છે. રત્નકલાકારો આ વખતે માત્ર આશ્વાસન નહીં પણ 'લેખિત કમિટમેન્ટ' માંગે છે. હીરા નગરીના આ કારીગરોનો મિજાજ જોતા એવું લાગે છે કે આ વખતે વ્યવસાય વેરો ચૂંટણીના પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.