સુરતના નાસીરનગરમાં 100 મકાનો કોણે તોડ્યા? તંત્રનો સરેઆમ ઈન્કાર
- ધારાસભ્ય વિનુ મોરડીયા અને કમિશનર અજાણ, ગરીબો પર તૂટ્યો આભ, લેન્ડ માફિયાનું ષડયંત્ર હોવાની પ્રબળ શંકા
- નાસીરનગર ડિમોલિશનમાં પોલીસની મૂકપ્રેક્ષક ભૂમિકા સામે ઉઠ્યા ગંભીર સવાલો, સેંકડો ગરીબ પરિવારો રસ્તા પર રઝળ્યા
- પોલીસ અને મનપાની હાજરી છતાં ધારાસભ્યએ કહ્યું અમે નથી તોડ્યા મકાન, જવાબદારો સામે થશે હાઈ-લેવલ તપાસ
સિટી ન્યુઝ @ સુરત
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગર સ્લમમાં ધોળા દિવસે ગરીબોના 100 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ભયાનક ભૂકંપ સર્જાયો છે. સૌથી મોટો અને આઘાતજનક સવાલ એ છે કે આ મકાનો કોણે તોડ્યા તે સ્વીકારવા હાલ કોઈ જ તૈયાર નથી! ડિમોલિશન સમયે સુરત મહાનગરપાલિકા (SMC) અને પોલીસની ફોજ ત્યાં સરેઆમ હાજર હોવા છતાં બંને વિભાગોએ આ ડિમોલિશન કર્યાનો આકરો ઈન્કાર કરી દીધો છે. આ ભયાનક વિવાદમાં હવે સ્થાનિક ભાજપ ધારાસભ્ય વિનુ મોરડીયાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તેમણે પણ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે આ કામગીરી મનપા દ્વારા કરવામાં આવી જ નથી. તો પછી દિનદહાડે જેસીબી અને હિટાચી મશીનો લઈને 100 પરિવારોના આશિયાના જમીનદોસ્ત કરી નાખનાર તે 'મિસ્ટર ઈન્ડિયા' કોણ છે?
ધારાસભ્ય વિનુ મોરડીયાના સત્તાવાર નિવેદન બાદ સુરત પોલીસ અને મનપા બંને કઠેડામાં ઉભા રહી ગયા છે. મનપાના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓ માત્ર 'લાઈન દોરી' ની કામગીરી માટે ગયા હતા. પરંતુ જો મનપાએ મકાન તોડ્યા નથી, તો તેમની નજર સામે જ કોઈ અજાણ્યા લેન્ડ માફિયા 100 મકાનો તોડી રહ્યા હતા ત્યારે અધિકારીઓએ તેમને કેમ ન અટકાવ્યા? સ્થાનિક પીડિતોના આકરા આક્ષેપો મુજબ, જ્યારે મહિલાઓ અને બાળકો કલ્પાંત કરી રહ્યા હતા ત્યારે ખાખી વર્દીમાં સજ્જ પોલીસ જવાનો મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા હતા. પોલીસે આ ગેરકાયદે ગેંગ પાસેથી કોઈ મેજિસ્ટ્રેટ ઓર્ડર માંગવાની તસ્દી પણ કેમ ન લીધી? આ સમગ્ર ઘટના કોઈ મોટા બિલ્ડર નેક્સસ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત તરફ સીધો ઈશારો કરે છે.
એક તરફ હવામાન વિભાગે ભયાનક વાવાઝોડા અને તોફાની વરસાદની આગાહી કરી છે, ત્યારે બીજી તરફ કોઈ પણ આગોતરી નોટિસ વગર 100 જેટલા અત્યંત ગરીબ શ્રમિક પરિવારોને તેમના નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર રઝળતા કરી દેવાયા છે. વહીવટી તંત્રની આ હચમચાવી દેનારી સંવેદનહીનતા સામે પ્રજામાં કમિશનર અને પ્રશાસન પ્રત્યે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. આ અત્યંત ગંભીર વહીવટી ગુનાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય વિનુ મોરડીયાએ પીડિતોને ન્યાય અપાવવા અને ગરીબોના ઘર તોડી જનારા કાવતરાખોરોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે ઉચ્ચ સ્તરીય અને આક્રમક તપાસના આદેશ આપી દીધા છે.
ખાખી અને ખાદીની મિલીભગતથી ગરીબો રઝળ્યા!
નાસીરનગરમાં 100 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છતાં તંત્ર અજાણ હોવાનો દાવો કરે તે સૌથી મોટી વહીવટી મજાક છે. ધોળા દિવસે પોલીસ અને મનપાના અધિકારીઓની નજર સામે કોઈ લેન્ડ માફિયા ગરીબોના આશિયાના કચડી નાખે અને કોઈ તેને અટકાવે નહીં, તે ખુલ્લી મિલીભગતની ચાડી ખાય છે. વાવાઝોડાના સંકટ વચ્ચે બેઘર બનેલા પરિવારોને ન્યાય આપવા સરકારે કડક એક્શન લેવા જ પડશે.