Loading Please Wait !!!
સુરતમાં ભાજપના યુવા નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોથી ક્રૂર હત્યા

  • ઉધના રોડ નંબર 6 પર જાહેરમાં ખેલાયો લોહીયાળ ખેલ; ડિંડોલી યુવા મોરચાના ઉપપ્રમુખનું મોત
  • મિલિન ચકલી અને પંકજ પાટીલ પર હત્યાનો આક્ષેપ; ધારાસભ્ય સંગીતાબહેન પાટીલના નજીકના કાર્યકરનો પુત્ર ગુમાવ્યો
  • રાત્રે 8.30 વાગ્યે મિત્રના ફોન બાદ નીકળેલા 21 વર્ષના એકના એક પુત્રનો લેવાયો ભોગ

સીટી ન્યૂઝ @ સુરત

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને ગુનેગારોના વધી રહેલા હોંસલા પર ગંભીર સવાલો ઉઠાવતી એક અત્યંત સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલ પર કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકીને જાહેરમાં તેની ક્રૂર હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સત્તાધારી પક્ષના જ એક સક્રિય યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સુરત ભાજપ સહિત સમગ્ર રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના અગ્રણી ધારાસભ્ય સંગીતાબહેન પાટીલની અત્યંત નજીક ગણાતા ભાજપના મહિલા અગ્રણી કાર્યકર જયશ્રીબહેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપના સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડિંડોલી વૉર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની મહત્વની જવાબદારી સંભાળતો હતો. આ ભયાનક હત્યાની ઘટના બાદથી સમગ્ર ભાજપ પરિવાર અને મૃતકના પરિજનોમાં ભારે આક્રંદ અને કરુણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ગંભીર ઘટના અંગે મૃતક નેતાની માતા જયશ્રીબહેન દલાલે રડતાં અવાજે જણાવ્યું કે, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે 08.30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને પોલીસ તરફથી ફોન આવ્યો હતો કે, જય પર જીવલેણ હુમલો થયો છે અને તેને હોસ્પિટલ ખસેડાયો છે. જોકે, પરિવાર હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ગંભીર ઈજાઓના કારણે તે દમ તોડી ચૂક્યો હતો. માતાએ પ્રશાસન પાસે હત્યારાઓને તાત્કાલિક પકડીને ફાંસીની સજા આપવાની આક્રોશભરી માંગ કરી છે.

માતાના સત્તાવાર આક્ષેપ અનુસાર, મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના 3 રીઢા આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ આરોપીઓ તાજેતરમાં જ પાસા (PASA) હેઠળ જેલના સળિયા પાછળથી મુક્ત થઈને બહાર આવ્યા છે. આરોપીઓને એવી શંકા હતી કે, અગાઉ જયના કારણે જ તેમને જેલની સજા કાપવી પડી હતી. આ જ જૂની અદાવત અને વેર રાખીને આ ક્રૂર હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા છે.

પાસામાંથી બહાર આવેલા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ

હત્યાની આ ઘટનાથી સુરતના શાંત વાતાવરણમાં ફરી એકવાર સામાન્ય જનતામાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપીઓ મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના શખ્સોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. ભયભીત માતાએ માંગ કરી છે કે પ્રશાસન આવા રીઢા ગુનેગારો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડક કદમ ઉઠાવે જેથી અન્ય કોઈ માતાનો દીકરો કાળનો કોળિયો ન બને.