વડોદરામાં માત્ર ત્રણ દિવસમાં રોડ ઉખડી ગયો
-
તરસાલી વિસ્તારના રવિ પાર્ક સોસાયટીની ઘટના
-
બાઈક સ્લીપ થવાથી બે લોકો ઈજાગ્રસ્ત થયા
-
રાત્રે વગર દેખરેખે હલકી કક્ષાનું કામ કરાયું
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી રવિ પાર્ક સોસાયટી પાસે કરવામાં આવેલા રોડની નબળી કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માત્ર સામાન્ય તાપમાનમાં જ ડામર ઓગળીને લોકોના પગમાં ચોંટવા લાગ્યો છે અને ત્રણ દિવસની અંદર જ નવો બનાવેલો રોડ સંપૂર્ણપણે ઉખડી ગયો છે, જેના કારણે સ્થાનિક પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, ત્રણ દિવસ પહેલા મોડી રાત્રે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, જેમાં યોગ્ય સફાઈ કર્યા વગર માત્ર સિલિકોન અને રેતી નાખીને કામ પતાવી દેવાયું હતું. આ ખરાબ અને ચીકણા રસ્તા પરથી પસાર થતી વખતે બાઈક સ્લીપ થઈ જવાના કારણે બે લોકોને ઈજાઓ પણ પહોંચી છે, છતાં વહીવટી તંત્ર કે કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતે કોઈ જ ધ્યાન આપી રહ્યા નથી.
અહીંના 75 વર્ષીય વદિલ ગોવિંદસિંહ રાજપૂતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજી વખત રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ ગુણવત્તાના અભાવે પરિસ્થિતિ સુધરતી નથી. ચૂંટણીના સમયે નેતાઓ વોટ માંગવા માટે ઘરે આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી રસ્તાઓની દયનીય સ્થિતિ જોવા માટે કોઈ પણ જવાબદાર અધિકારી કે કોર્પોરેટર ફરકતા પણ નથી.
સામાજિક કાર્યકર પ્રજ્ઞેશ જયસ્વાલ અને અન્ય સ્થાનિકોએ આ મામલે ઓનલાઈન ફરિયાદો કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી ન થવાના આક્ષેપો કર્યા છે. નજીક જ શાળા અને પ્લે સેન્ટર આવેલું હોવાથી નાના બાળકો અને વડીલો માટે આ રસ્તા પરથી ચાલવું પણ જોખમી બન્યું છે, અને જો કોઈ મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવા ગંભીર સવાલો ઉઠ્યા છે.
પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ભંડોળનો આ પ્રકારે થતો વેડફાટ વહીવટી તંત્રની પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ખડા કરે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ ઘોર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ થવી જોઈએ અને પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે પૂરી પાડવી જોઈએ.
માળખાકીય સુવિધાઓ અને વહીવટી જવાબદારી
શહેરી વિસ્તારોમાં બનતા રસ્તાઓ અને જાહેર સુવિધાઓની ગુણવત્તા જાળવવી એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે. નબળા કામો અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાયા વગર સામાન્ય જનતાની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવી શકે નહીં.