ગિરનારના ખોળે વન્યજીવો પર પ્લાસ્ટિકનું સંકટ: સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વીડિયો વાયરલ
- વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવાઓની ખુલી પોલ; વન્યજીવોના જીવ જોખમમાં
- ઇકો-સેન્સિટિવ ઝોનમાં ખુલ્લેઆમ ફેંકાય છે ઝેરી કચરો; તંત્ર મૌન સેવીને બેઠું.
- જાગૃત પ્રવાસીએ કેમેરામાં કેદ કર્યા ચોંકાવનારા દ્રશ્યો; વન વિભાગ સામે ઉઠ્યો રોષ.
સિટી ન્યુઝ @ જૂનાગઢ : પ્રકૃતિ અને પરમેશ્વરનો સંગમ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં વન્યજીવોની સુરક્ષાને લઈને ફરી એકવાર વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ભવનાથ ક્ષેત્રમાં રોજના હજારો પ્રવાસીઓ આવે છે, પરંતુ અહીં વન્યજીવોના અસ્તિત્વ સામે પ્લાસ્ટિકનું સંકટ તોળાઈ રહ્યું છે. તાજેતરમાં એક જાગૃત પ્રવાસીએ કેદ કરેલા વીડિયોમાં એક સાબર જંગલ છોડી મુખ્ય માર્ગ પર આવી કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતું નજરે પડે છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગના ડિવાઈડર પાસે એક સાબર પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય ઝેરી કચરો ખાઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા અવારનવાર 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યોએ તંત્રની ઘોર નિષ્ફળતા છતી કરી છે. સતત ટ્રાફિક વચ્ચે વન્યજીવોનું આ રીતે પ્લાસ્ટિક આરોગવું તે અત્યંત ચિંતાજનક બાબત છે.
ઉલ્લેખનીય છે કે ગિરનાર વન્યજીવ અભયારણ્યની આસપાસનો વિસ્તાર 'ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરાયો છે, જ્યાં પ્લાસ્ટિક અને ગંદકી પર કડક પ્રતિબંધ છે. તેમ છતાં ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આજે પણ પ્લાસ્ટિકનો કચરો ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે. અગાઉ પણ અનેક વન્યજીવોના મોત પ્લાસ્ટિક ખાવાને કારણે થયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 મુજબ અભયારણ્યમાં વન્યજીવોને પજવવા કે ખોરાક આપવો ગુનો છે. છતાં, વારંવાર આવા વીડિયો વાયરલ થવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ગિરનારની અનમોલ વન્ય સંપત્તિ પ્લાસ્ટિકના રાક્ષસનો ભોગ બની જશે. અગાઉ ચિત્તલ (હરણ)નું ટોળું પણ પ્લાસ્ટિક ખાતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવે છે.