Loading Please Wait !!!
ગોત્રી હોસ્પિટલમાં મોતની સારવાર: એક દર્દીનું લોહી બીજાને ચડાવી દેવાયું

  • નર્સિંગ સ્ટાફની ઘોર બેદરકારીથી દર્દીનો જીવ જોખમમાં મુકાયો; હોસ્પિટલ તંત્રમાં દોડધામ.
  • ગંભીર બેદરકારી બદલ ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહીની RMOની ચીમકી; તપાસ તેજ.
  • એક જ નામ હોવાથી નર્સિંગ સ્ટાફે કરી ગફલત; હોસ્પિટલની વિશ્વસનીયતા પર ઉઠ્યા સવાલ.

સિટી ન્યુઝ @ વડોદરા : વડોદરાની સૌથી પ્રતિષ્ઠિત સરકારી જીએમઈઆરએસ (GMERS) મેડિકલ હોસ્પિટલ ગોત્રીમાં માનવ જીવન સાથે ચેડાં કરતી એક અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની લોહીની બોટલ ચડાવી દેવામાં આવતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દર્દી ભગવાનના રૂપ ગણાતા તબીબો પાસે વિશ્વાસ સાથે સારવાર માટે જાય છે, પરંતુ આવી ઘટનાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં એક જ સમાન નામ ધરાવતા બે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને બંનેને બ્લડ ચડાવવાની જરૂરિયાત હતી. આ દરમિયાન નર્સિંગ સ્ટાફે બેદરકારી દાખવી એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચડાવી દીધી હતી. જોકે, ગણતરીની મિનિટોમાં જ આ મોટી ભૂલનો અહેસાસ થતા તાત્કાલિક લોહી ચડાવવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી અને દર્દીને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી.

આ ગંભીર ઘટના બાદ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) ડો. કટલાણાએ જણાવ્યું હતું કે આ ખરેખર એક ગંભીર ક્ષતિ છે. તેમણે પુષ્ટિ કરી હતી કે સમાન નામ હોવાને કારણે નર્સિંગ સ્ટાફે આ ભૂલ કરી હતી. સદનસીબે ભૂલ તરત જ પકડાઈ જતાં દર્દીની સ્થિતિ સ્થિર રહી હતી અને તેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા આ બેદરકારી બદલ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. RMOએ વધુમાં જણાવ્યું હતું કે જવાબદાર નર્સિંગ સ્ટાફને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને જો જરૂર જણાશે તો તેમને સેવામાંથી ટર્મિનેટ કરવા સુધીની આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે. હોસ્પિટલમાં અવાર-નવાર બનતી આવી ઘટનાઓ સામે દાખલો બેસે તેવા પગલાં ભરવાની માંગ ઉઠી છે.

દર્દીના પરિવારજનો અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ ભૂલ સમયસર ન પકડાઈ હોત અને દર્દીને કઈ અઘટિત થયું હોત તો તેનો જવાબદાર કોણ હોત તેવો વેધક સવાલ પૂછવામાં આવી રહ્યો છે. ગોત્રી હોસ્પિટલમાં સલામતીના પ્રોટોકોલ્સનું ચુસ્તપણે પાલન થાય અને ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી ન દોહરાય તે માટે કડક તકેદારી રાખવી અનિવાર્ય બની ગઈ છે.