Loading Please Wait !!!
વાઘોડિયામાં વેપારી પર જીવલેણ હુમલો: ૪૦ ગ્રામ સોનું અને રોકડની ફિલ્મી ઢબે લૂંટ

  • લૂંટારુઓ ભાગવા જતાં બાઈક સ્લિપ થઈ; એક મોટરસાયકલ ઘટનાસ્થળે મૂકી ફરાર
  • નારાયણ નગર સોસાયટીના નાકે જ ઘાત લગાવી બેઠા હતા લૂંટારુઓ; પોલીસનો મોટો કાફલો દોડ્યો
  • અંદાજે ૪ શખ્સોએ રેકી કરી ઘટનાને અંજામ આપ્યાની આશંકા; CCTV ફૂટેજથી તપાસ તેજ

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા જિલ્લાના વાઘોડિયા ટાઉનમાં રાત્રિના સમયે ફિલ્મી ઢબે લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે. શહેરમાં ‘ડીસી જવેલર્સ’ નામે સોના-ચાંદીનો વ્યવસાય કરતા વેપારી જિગ્નેશભાઈ સોની પર ત્રણથી ચાર બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કરી અંદાજિત ૪૦ ગ્રામ સોનું અને ૫૦,૦૦૦ રૂપિયા રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી છે. લૂંટારુઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમની બાઈક સ્લિપ થતા તેઓ એક મોટરસાયકલ ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યા હતા.

ઘટનાની વિગત મુજબ, જિગ્નેશભાઈ રાબેતા મુજબ રાત્રે ૮ વાગ્યાની આસપાસ પોતાની દુકાન બંધ કરીને નારાયણ નગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે સોસાયટીના નાકે પહોંચ્યા, ત્યારે અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા ત્રણ અજાણ્યા બુકાનીધારી ઈસમોએ તેમને આંતર્યા હતા. વેપારી કંઈ સમજે તે પહેલા લૂંટારુઓએ તેમના માથાના ભાગે લાકડાના ફટકા વડે ઉપરા-છાપરી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં જિગ્નેશભાઈ નીચે પટકાતા લૂંટારુઓ ઘરેણાં અને રોકડ ભરેલી બેગ ઝૂંટવીને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા.

વાઘોડિયા પોલીસ મથકના પી.આઈ. ગોહિલના જણાવ્યા મુજબ, લૂંટ ચલાવીને ભાગી રહેલા ઈસમોની બાઈક રસ્તા પર સ્લિપ થઈ ગઈ હતી અને ત્રણેય લૂંટારુઓ જમીન પર પટકાયા હતા. આસપાસના રહીશો જાગી જાય અને પોતે પકડાઈ જાય તેવી બીકે લૂંટારુઓ પોતાની મધ્યપ્રદેશ પાસિંગની બાઈક ત્યાં જ પડતી મૂકીને અન્ય એક બાઈક પર બેસીને ફરાર થઈ ગયા હતા. પોલીસને આ ઘટનામાં ચાર લૂંટારુઓ હોવાની સંભાવના જણાઈ રહી છે.

લૂંટની ગંભીરતાને જોતા વાઘોડિયા પોલીસ સહિત એલસીબી (LCB) અને એસઓજી (SOG) ની ટીમો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટારુઓની બાઈક કબજે કરી છે અને તેના નંબર તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. એવી પણ આશંકા સેવાઈ રહી છે કે લૂંટારુઓ દ્વારા લાંબા સમયથી વેપારીની રેકી કરવામાં આવતી હતી અને તેમના અવરજવરના સમયની ચોક્કસ માહિતી મેળવીને જ આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.

ઉનાળાની રાત્રે જ્યારે લોકોની અવરજવર ચાલુ હોય તેવા સમયે બનેલી આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કર્યા છે. હાલમાં ઇજાગ્રસ્ત જિગ્નેશભાઈ સોનીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે જિલ્લાની સરહદો પર નાકાબંધી કરી છે અને લૂંટારુઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.