ગાંધીનગરની રાજ સ્કૂલમાં કુકર્મ: પ્રિન્સિપાલના પુત્રએ સગીરને હવસનો શિકાર બનાવ્યો
- ધોરણ 10ના વિદ્યાર્થીને હોસ્ટેલના રૂમમાં નરક જેવી યાતના, પોક્સો અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ
- રાજ પટેલના વીડિયો વાયરલ થતા ખળભળાટ, સગીર વિદ્યાર્થીને સતત બ્લેકમેલ કરીને પીડ્યો
- હોસ્ટેલમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર પ્રિન્સિપાલનો પુત્ર ભૂગર્ભમાં
સિટી ન્યુઝ @ ગાંધીનગર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં સેક્ટર-25 માં આવેલી પ્રતિષ્ઠિત રાજ સ્કૂલના પ્રિન્સિપાલના પુત્રએ શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરતા ધોરણ-10 ના એક સગીર વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. આરોપી રાજ અશ્વિન પટેલ દ્વારા માસૂમ વિદ્યાર્થી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને તમામ હદો પાર કરી દેવામાં આવી હતી. આ સનસનાટીભર્યા મામલે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પીડિત વિદ્યાર્થી ગરીબ પરિવારનો હોવા છતાં પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે ગાંધીનગર ભણવા આવ્યો હતો. શાળાના સંચાલક પ્રિન્સિપાલ અશ્વિન પટેલના પુત્ર રાજ પટેલે પોતાની વિકૃતિ સંતોષવા માટે વિદ્યાર્થીનો શિકાર કર્યો હતો. આરોપીએ પહેલા વિદ્યાર્થીનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ તેને રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક અમાનવીય કૃત્યો આચર્યા હતા. વિદ્યાર્થી પરીક્ષા આપી વતન પરત ફર્યો હોવા છતાં આરોપી તેને ફોન કરી સતત બ્લેકમેલ કરતો હતો, જેના કારણે વિદ્યાર્થી માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને તેનું પરિણામ પણ નબળું આવ્યું હતું.
જ્યારે વિદ્યાર્થીના પરિવારને આ સમગ્ર આપવીતીની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસ ફરિયાદ બાદ અત્યારે ડીવાયએસપી એસ. એમ. ચૌધરી અને તેમની ટીમ તપાસમાં જોડાઈ છે. આરોપી રાજ પટેલ અત્યારે પોલીસની પકડથી દૂર ભાગી છૂટ્યો છે અને પોલીસ તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે. આ ઉપરાંત, DEO ડો. બી. એન. પ્રજાપતિ દ્વારા શાળાને નોટિસ આપી અન્ય કોઈ બાળક સાથે આવી ઘટના ઘટી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી એક જાગૃત નાગરિકની અરજી બાદ આ કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તપાસમાં વર્ષ 2024 માં આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. શાળાની હોસ્ટેલમાં પ્રિન્સિપાલનો પુત્ર મુક્તપણે અવરજવર કરતો હતો, જે શાળાના વહીવટીતંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. હવે પોલીસ આરોપીને ઝડપીને સખત કાયદાકીય કાર્યવાહી કરશે, પરંતુ શિક્ષણના મંદિરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં વાલીઓમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી દીધી છે.