Loading Please Wait !!!
કેશોદમાં જળ સંકટ: 9 દિવસે આવતા પાણીથી મહિલાઓ રણચંડી બની

  • કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા; નગરપાલિકા સામે ઉગ્ર આંદોલનની ચીમકી.
  • રાધે શ્યામ નગર અને માધવધારમાં સ્થિતિ ગંભીર; તંત્રના વાયદાથી લોકોમાં રોષ.
  • જરૂરિયાત 10 MLD અને મળે છે માત્ર 8 MLD; ટેકનિકલ ખામીએ મુશ્કેલી વધારી

સિટી ન્યૂઝ @ જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ ભયાનક જળ સંકટ સર્જાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 7 થી 9 દિવસે પાણીનું વિતરણ થતું હોવાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. પીવાના પાણીના એક-એક ટીપા માટે ગૃહિણીઓને સંઘર્ષ કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા હવે રહીશોએ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

શહેરના રાધે શ્યામ નગર અને માધવધાર જેવા વિસ્તારોમાં પાણીની સ્થિતિ અત્યંત ગંભીર છે. સ્થાનિક રહીશ દેવલ જોશીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા દોઢ વર્ષથી રોડ અને પાણીની પાયાની સુવિધાઓ માટે લડી રહ્યા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર ખોટા વાયદા જ મળે છે. એક તરફ અન્ય વિસ્તારોમાં નિયમિત પાણી મળે છે, જ્યારે અમુક વિસ્તારોમાં 7 દિવસે પણ પાણી ન મળતા લોકોમાં ભેદભાવની લાગણી જન્મી છે.

માધવધાર વિસ્તારની ગૃહિણી જ્યોત્સનાબેન કળથિયાએ જણાવ્યું કે, ક્યારેક તો 10 દિવસ સુધી નળમાં પાણી આવતું નથી, જેના કારણે પડોશીઓ પાસેથી ડોલ ભરીને પાણી લાવવાની નોબત આવે છે. વર્ષો પહેલા સાબલી ડેમમાંથી ફોર્સ સાથે પાણી આવતું હતું, જે હવે તદ્દન બંધ થઈ ગયું છે. ગૃહિણીઓની એક જ માંગ છે કે તંત્ર જાગે અને ઉનાળાની આ આકરી ગરમીમાં ઓછામાં ઓછું દર 3 દિવસે પાણી આપવામાં આવે જેથી ઘર ચલાવવું સરળ બની શકે.

લોકોના આ આક્રોશ સામે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ સ્વીકાર્યું છે કે પાણી વિતરણમાં 6 થી 9 દિવસનો વિલંબ થઈ રહ્યો છે. તેમણે બચાવ કરતા જણાવ્યું કે, ગુજરાત વોટર સપ્લાય બોર્ડ તરફથી શહેરની જરૂરિયાત મુજબનું 10 MLD પાણી મળતું નથી. હાલમાં માત્ર 8 MLD પાણી મળી રહ્યું છે અને તેમાં પણ ટેકનિકલ ખામી સર્જાતા જથ્થો 2 થી 3 MLD જેટલો ઘટી જાય છે, જે વિતરણ વ્યવસ્થાને ખોરવે છે.

તંત્ર દ્વારા લાંબા ગાળાના ઉકેલ તરીકે ઓઝત નદી પર ઈન્ટેક વેલ બનાવીને ત્રાંગલસા પીર સુધી પાણી પહોંચાડવાની યોજના સરકારમાં મોકલવામાં આવી છે. જોકે, આ યોજના હજુ માત્ર દરખાસ્તના તબક્કે જ હોવાથી ચાલુ ઉનાળે કેશોદવાસીઓને પાણીના સંકટમાંથી મુક્તિ મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. જો આગામી દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો નહીં આવે, તો શહેરની મહિલાઓએ નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કરવાની તૈયારી દર્શાવી છે.