જામનગરના પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખીલજીને કોર્ટનો ઝટકો: ચૂંટણી પ્રચાર માટેની વચગાળાની જામીન અરજી રદ
-
ગુજસીટોકના ગંભીર ગુના હેઠળ જેલમાં બંધ ખીલજીની આશા પર ફેરવાયું પાણી; સ્પેશિયલ કોર્ટની કડક કાર્યવાહી
-
લોકશાહીના હિતની દલીલો કામ ન આવી- તપાસ અધિકારી અને PP ના સખત વિરોધ બાદ જામીન અરજી નામંજૂર
-
23 વર્ષની રાજકીય કારકિર્દીનો હવાલો પણ નિષ્ફળ; ગંભીર ગુનાહિત ઇતિહાસ અને પોલીસ એફિડેવિટ નડી
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે જેલમાં બંધ પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખીલજીને મોટો રાજકીય અને કાયદાકીય ફટકો પડ્યો છે. ગુજસીટોક (GUJCTOC) ના ગંભીર ગુના હેઠળ જેલમાં સબડી રહેલા ખીલજીએ ચૂંટણી પ્રચાર કરવા અને મતદાન પ્રક્રિયામાં સામેલ થવા માટે વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી, જેને સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણીના મહત્વના તબક્કે જ જામીન ન મળતા ખીલજી જૂથમાં સોપો પડી ગયો છે.
અસલમ કરીમ ખીલજીએ કોર્ટમાં જામીન માટે દલીલ કરતા જણાવ્યું હતું કે, તેઓ ૨૩ વર્ષથી કાઉન્સિલર તરીકે જાહેર જીવનમાં સક્રિય છે અને તેમની લાંબી રાજકીય કારકિર્દી છે. ચૂંટણીના માહોલમાં મતદારોનો સંપર્ક કરવો, જનસભા સંબોધવી, પોલિંગ એજન્ટોની નિમણૂક કરવી અને લોકશાહીના પર્વ સમાન મતદાન પ્રક્રિયામાં સક્રિયપણે સામેલ થવું એ તેમના અને મતદારોના હિતમાં અનિવાર્ય છે. આ આધારે તેમણે થોડા દિવસો માટે જેલમુક્ત થવા માટે કોર્ટ પાસે દયાની માંગ કરી હતી.
જોકે, સરકાર પક્ષે તપાસ અધિકારી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) એ આ જામીન અરજીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્પેશિયલ પી.પી. એ કોર્ટમાં ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે ગુજસીટોક જેવો અત્યંત ગંભીર ગુનો નોંધાયેલો છે અને કેસ હજુ ટ્રાયલ હેઠળ છે. જો આવા ગંભીર ગુનાના આરોપીને ચૂંટણીના બહાને જામીન આપવામાં આવે, તો તે સાક્ષીઓને ડરાવી શકે છે અથવા સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તેની નકારાત્મક અસર પડી શકે છે.
પોલીસે રજૂ કરેલી એફિડેવિટમાં પણ અસલમ ખીલજીના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની મુક્તિથી નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. બંને પક્ષોની લાંબી દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે અવલોકન કર્યું કે, કેસની ગંભીરતા અને કાયદાની જોગવાઈઓ મુજબ માત્ર ચૂંટણી પ્રચારના આધારે જામીન આપી શકાય નહીં. કોર્ટે માન્યું કે જાહેર હિત અને ન્યાય પ્રક્રિયા જાળવી રાખવી સર્વોપરી છે.
આમ, કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અસલમ ખીલજીની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. ચૂંટણીના સમયે જ જામીન અરજી રદ થતાં હવે અસલમ ખીલજીએ જેલના સળિયા પાછળથી જ ચૂંટણીના પરિણામોની રાહ જોવી પડશે. તેમના સમર્થકો જેઓ ખીલજીની મુક્તિની આશા રાખી રહ્યા હતા, તેમને પણ આ નિર્ણયથી મોટો આંચકો લાગ્યો છે. હવે જામનગરના રાજકીય સમીકરણો પર આ નિર્ણયની શું અસર પડે છે તે જોવું રહ્યું.