યોગેશ પટેલનો હુંકાર:
-
માંજલપુરની તમામ 12 સીટો જીતવાનો દાવો- વિકાસના જોરે ભાજપનો વિજયધ્વજ લહેરાશે; બળવાખોરો મુદ્દે પણ મૌન તોડ્યું
-
EVM પરના આક્ષેપોને ફગાવતા સિનિયર ધારાસભ્ય- 38 વર્ષમાં સરકારી તિજોરીમાંથી એક રૂપિયો પણ ન લીધો હોવાનો દાવો
-
માંજલપુરના ત્રણેય વોર્ડમાં ભાજપનું ક્લીન સ્વીપ નક્કી- હાર્ટ ઓપરેશનના 30 લાખનો ખર્ચ પોતે ભોગવ્યો હોવાની આપી વિગત
વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે વડોદરાના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અત્યંત આક્રમક તેવર બતાવ્યા છે. માંજલપુર વિધાનસભા હેઠળ આવતા વોર્ડમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને વિવાદો વચ્ચે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "રોક સકો તો રોક લો... અમારી 12 માંથી 12 સીટો નક્કી છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે માંજલપુરના મતદારોને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પર અતૂટ ભરોસો છે અને આ વખતે પણ પરિણામ કેસરિયા તરફે જ આવશે.
ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં. 17, 18 અને 19 ના વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓ અને ગામતળમાં પીવાના પાણી, રોડ અને ગટર સહિતની પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. તેમણે કહ્યું કે અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમે કામ કરાવ્યું છે. જો કોઈ કોન્ટ્રાક્ટર નબળી કામગીરી કરે તો જનતાએ સીધો મારો સંપર્ક કરવો. વિરોધ પક્ષ કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, હારના ડરથી કોંગ્રેસ હવે માત્ર EVM અને ચૂંટણી ખર્ચના બહાના કાઢી રહી છે, જેનો જવાબ જનતા મતદાનના દિવસે આપશે.
પોતાની પ્રામાણિકતાનો ઉલ્લેખ કરતા ધારાસભ્યએ કહ્યું કે, છેલ્લા 38 વર્ષની કારકિર્દીમાં તેમણે ક્યારેય વિધાનસભામાંથી મેડિકલ ક્લેમનો એક રૂપિયો પણ લીધો નથી. તાજેતરમાં તેમના હાર્ટના ઓપરેશનમાં થયેલો 30 લાખનો ખર્ચ પણ તેમણે પોતાની અંગત બચતમાંથી ભોગવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હંમેશા જનતા માટે ઉપલબ્ધ છે અને વિકાસના કામોમાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને બળવાખોર ઉમેદવારો વિશે પૂછતા યોગેશ પટેલે કહ્યું હતું કે, "બળવાખોરોનું શું કરવું તે પાર્ટીનું સંગઠન નક્કી કરશે." આ મુદ્દે વધુ ટિપ્પણી કરવાનું ટાળતા તેમણે માત્ર વિકાસને જ પ્રાધાન્ય આપ્યું હતું. માંજલપુરના ત્રણ વોર્ડની જવાબદારી નીલેશ રાઠોડ, નરેન્દ્ર પટેલ અને પરેશ બ્રહ્મભટ્ટ જેવા નેતાઓના શિરે છે, જેમના નેતૃત્વમાં ભાજપ ક્લીન સ્વીપ કરશે તેવી મક્કમતા તેમણે દર્શાવી હતી.
મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે યોગેશ પટેલના આ નિવેદને કાર્યકરોમાં નવો જોમ ભર્યો છે. માંજલપુર જે ભાજપનો ગઢ ગણાય છે, ત્યાં આ વખતે વિપક્ષોની શું સ્થિતિ રહેશે તેના પર સૌની નજર છે. યોગેશ પટેલે અંતમાં ઉમેર્યું કે મતદારો માત્ર અને માત્ર વિકાસને જ વોટ આપશે, વિવાદોમાં તેમને કોઈ રસ નથી.