Loading Please Wait !!!
જામનગરમાં ‘સલામત સવારી’ના ધાંધિયા: સમર્પણ સર્કલ પાસે એસ.ટી. બસ ખોટકાઈ, મુસાફરોએ ધક્કા મારીને રસ્તો સાફ કર્યો

 

  • રસ્તા વચ્ચે બસ બંધ પડી જતાં મુસાફરોની હાલાકી; વીડિયો વાયરલ થતાં એસ.ટી. તંત્રની ફજેતી

  • સમર્પણ સર્કલ પાસે અજીબોગરીબ દ્રશ્યો; એસ.ટી.ની સેવાઓ અને જાળવણી સામે જનતામાં ભારે રોષ

  •  સોશિયલ મીડિયા પર વીડિયો ધૂમ મચાવી રહ્યો છે; સલામત સવારીના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી ખુલ્લી પડી

    જામનગર શહેરમાં આજે એસ.ટી. નિગમની પોલ ખોલતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા સમર્પણ સર્કલ નજીક ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની એક બસ અચાનક ટેકનિકલ ખામીને કારણે રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ હતી. પરિણામે, કાળઝાળ ગરમીમાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

    મુસાફરો બન્યા લાચાર બસ અચાનક બંધ થઈ જતાં ડ્રાઈવર અને કન્ડક્ટર દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં બસ શરૂ થઈ શકી નહોતી. અંતે, બસમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતરવાની ફરજ પડી હતી. બસ રસ્તાની વચ્ચે હોવાથી ટ્રાફિક જામ ન થાય તે માટે મુસાફરોએ જ એકઠા થઈને બસને ધક્કા મારીને રસ્તાની બાજુ પર ખસેડવી પડી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ પણ અચંબિત થઈ ગયા હતા અને કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

    તંત્રની જાળવણી સામે સવાલો એસ.ટી. નિગમ હંમેશા પોતાની બસોને “સલામતની સવારી” તરીકે પ્રમોટ કરે છે, પરંતુ જામનગરની આ ઘટનાએ તંત્રના દાવાઓની હવા કાઢી નાખી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને જોઈ લોકો પૂછી રહ્યા છે કે શું મુસાફરો પાસેથી ભાડું લઈને તેમને બસને ધક્કા મારવાની સેવા આપવામાં આવે છે? સ્થાનિક નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે બસોની યોગ્ય જાળવણી અને સમયસર સર્વિસ કરવામાં આવે જેથી મુસાફરોને રસ્તા વચ્ચે આવી રીતે હેરાન ન થવું પડે.

    આ ઘટના એસ.ટી. વિભાગ માટે એક મોટી લપડાક સમાન છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ બાદ તંત્ર પોતાની ભંગાર બસોની હાલત સુધારે છે કે પછી મુસાફરોએ આમ જ ધક્કા મારતા રહેવું પડશે.