Loading Please Wait !!!
બદ્રીનાથ ધામ દાન ચોરી મામલે SIT રિપોર્ટ રજૂ!

  • 300 પેજના રિપોર્ટમાં મંદિર સંચાલન સુધારાની ભલામણ!
  • જુલાઈમાં થાળી ભેટ હેરફેર બાદ બે કર્મચારી પકડાયા!
  • દેશના 14 મોટા મંદિરોની વ્યવસ્થાનો અભ્યાસ કરાયો!

સિટી ન્યુઝ @ દેહરાદૂન

પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં દાનની હેરફેર અને ચોરીના મામલે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા 300 પાનાનો તપાસ રિપોર્ટ ઉત્તરાખંડ સરકારને સોંપવામાં આવ્યો છે, જેમાં મંદિર સંચાલન અને સુરક્ષા વ્યવસ્થામાં મોટાપાયે સુધારા કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ વર્ષે જુલાઈ મહિનામાં થાળી ભેટ એટલે કે દાનમાં ગેરરિતી સામે આવ્યા બાદ ત્રણ સભ્યોની SIT રચાઈ હતી અને પોલીસ તપાસમાં બે કર્મચારીઓ પ્રમોદ નૌટિયાલ અને રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગઢવાલ ડિવિઝનલ કમિશનર આનંદ સ્વરૂપની આગેવાની હેઠળની ટીમે મંદિર કમિટીના સ્ટાફ અને અધિકારીઓ સહિત આશરે 20 લોકોની પૂછપરછ કરી CCTV ફૂટેજ તપાસ્યા હતા.

SIT એ ઉત્તર અને દક્ષિણ ભારતના 14 જેટલા મોટા મંદિરોના મેનેજમેન્ટ, દાન ગણતરી અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કર્યા બાદ દાન ગણતરીમાં ખામીઓ હોવાનું સ્વીકારી ભલામણ કરી છે કે ઘરેણાં અને રોકડની ગણતરી માટેના રૂમમાં કાચના ગ્લાસ લગાવી જગ્યા ખુલ્લી રાખવામાં આવે જેથી લોકો જોઈ શકે.

આ ઉપરાંત ગણતરી રૂમના તમામ ખૂણે ઉચ્ચ ક્વોલિટીના CCTV કેમેરા લગાવવા, બનાવટી નોટો પકડવા માટે મશીન મૂકવા તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ધરાવતા અન્ય મંદિરોની પદ્ધતિઓ અનુસરવા પણ રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે.

મંદિર સંચાલન, પારદર્શક ગણતરી અને સુરક્ષા ધોરણો

ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાતા દાનની સુરક્ષા અને ગણતરીમાં પારદર્શકતા વિશ્વાસ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આધુનિક દેખરેખ અને ખુલ્લી ગણતરી પ્રક્રિયા અનિયમિતતા અટકાવવામાં મદદરૂપ બને છે.