અવામી લીગ દ્વારા 27-28 નવેમ્બરે દેશવ્યાપી લૉકડાઉન!
- 16 ડિસેમ્બરે હસીનાના આગમનની ચર્ચા વચ્ચે વિરોધ!
- શફીકુર્રહમાન પ્રવાસ ટૂંકાવી વતન પરત, PM સાથે બેઠક!
- પ્રતિબંધ હટાવવા અને કેદીઓની મુક્તિ સહિતની માંગણી!
સિટી ન્યુઝ @ ઢાકા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના 16 ડિસેમ્બરે પરત ફરવાના એલાન બાદ દેશના વિવિધ ભાગોમાં હિંસા અને તણાવ વચ્ચે અવામી લીગે 27 અને 28 નવેમ્બરે સમગ્ર બાંગ્લાદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.
શેખ હસીનાની વાપસીની માંગ સાથે મંગળવારે મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને બુધવારથી વિરોધ પ્રદર્શન ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીકુર્રહમાન ઑસ્ટ્રેલિયા-મલેશિયાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરી વડાપ્રધાન તારિક રહેમાન સાથે પરિસ્થિતિ અંગે મુલાકાત કરવાના છે.
અવામી લીગે હસીના અને નેતાઓ સામેના કેસ પાછા ખેંચવા, પાર્ટી પરનો પ્રતિબંધ હટાવવા, રાજકીય કેદીઓને મુક્ત કરવા, મોંઘવારી અને આવશ્યક ચીજવસ્તુઓના દર ઘટાડવા, બંધ ઉદ્યોગો શરૂ કરવા તથા નાગરિકો, મહિલાઓ, બાળકો અને લઘુમતીઓની સુરક્ષા સહિતની માંગણીઓ મૂકી છે.
આ ઉપરાંત પાર્ટીએ લશ્કરી-નાગરિક અધિકારીઓ અને પત્રકારો સામેના ખોટા કેસ રદ કરવા, અભિવ્યક્તિ અને પ્રેસની સ્વતંત્રતા જાળવવા તેમજ મુક્ત કરાયેલા ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓની ફરી ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
રાજકીય અસ્થિરતા, વિરોધ પ્રદર્શન અને કાયદો-વ્યવસ્થા
બાંગ્લાદેશમાં રાજકીય નેતાઓની વાપસી અને વિરોધ કાર્યક્રમો વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સૌની નજર રહે છે. સત્તાધારી નેતૃત્વ અને વિવિધ પક્ષો વચ્ચેની હિલચાલ આગામી દિવસોની દિશા નક્કી કરે છે.