Loading Please Wait !!!
ખેડૂતોનો મરો; રાસાયણિક ખાતરમાં ભાવ વધારો


સિટી ન્યૂઝ@ગાંધીનગર

ચરોતરમાં ઉનાળુ વાવેતર પૂર્ણ થતા રાસાયણિક ખાતરોના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને ખેડૂતોનેવધુ આર્થિક ભાર સહન કરવો પડશે. દિન પ્રતિદિન ખેતી વ્યવસાય આકરી મોંઘવારીમાં ખર્ચાળ બનતો જાય છે. હરહંમેશા ખેડૂતોને અન્ય ઉપર નિર્ભર રહેવું પડે છે. સિંચાઇના પાણી માટે સરકાર ઉપર આધાર રાખવો પડે છે. અથાગ મહેનત કરી ખેડૂતને પાકનું સારુ ઉત્પાદન મળવાની આશા હોય ત્યારે પોષણક્ષમ ભાવો મળતા નથી.

જે વર્ષે પાક સારો,પોષણક્ષમ ભાવો સારા તે વર્ષે કુદરતી આફતમાં પાકમાં વ્યાપક નુકશાન થતા ધરતીપુત્રોની કફોડી સ્થિતી સર્જાય છે. હાલમાં ઉનાળુ બાજરી કાપવાની સિઝન ચાલી રહી છે ત્યારે કાપણી માટે થ્રેસરના ડીઝલની રામાયણ સર્જાય છે. તેમજ ડીઝલ મળે તો ગતવર્ષ કરતા કાપણીના ભાવનો ખર્ચ વધુ મોંઘો થઇ રહ્યો છે. તેવી કપરી પરિસ્થિતી વચ્ચે ચોમાસુ વાવેતરની સિઝન શરૂ થાય તે પહેલા રાસાયણિક ખાતરોના ભાવમાં અસહ્ય વધારો કરવામાં આવતા ખેતીકાર્ય કરવું ધરતી પુત્રો માટે વધુને વધુ કઠીન બનતુ જાય છે. ત્યારે ૯૫૦ રૂપિયાના ભાવનું એમોનિયા સલ્ફેટનો ભાવ ૧૪૦૦ એ પહોંચ્યો છે,

એએસપીનો ૧૫૫૦થી વધીને ૨૨૫૦ થયો છે. તેમજ એસએસપીના ખાતરનો ૫૫૦માં ૪૦ રૂપિયાનો વધારો કરતા નવો ભાવ ૫૯૦ રૂપિયે પહોંચ્યો છે. ભાવવધારા માટે વૈશ્વિક યુદ્ધના કારણે સલ્ફરનો પુરવઠો ખોરવાતા તેની સીધી અસર વિવિધ રાસાયણિક ખાતરોના ઉત્પાદન ઉપર પડતા ભાવ વધ્યા હોવાનું જણાવાઇ રહ્યુ છે. એપીએસમાં ૨૦ ટકા નાઇટ્રોઝન, ૨૦ ટકા ફોસ્ફરસ અને ૧૩ ટકા સલ્ફર હોય છે. જેમાં સલ્ફર બનાવવા માટે જરૂરી સલ્ફ્યુરીક એસિડ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવી રહ્યુ છે.