જામનગરમાં જર્જરિત ઈમારતો પર ‘હથોડો’: ચોમાસા પહેલા મ્યુ. તંત્ર એક્શનમાં, 26 મિલકતોનું કરાયું ડિમોલિશન
-
શહેરમાં 225 થી વધુ ભયજનક મકાનોનો સર્વે શરૂ; હોનારત થશે તો જવાબદારી માલિકની રહેશે, તંત્રની કડક નોટિસ
-
ટીપીઓ શાખાની 6 ટીમો મેદાનમાં; ગત વર્ષે 6 ઈમારતો ધરાશાયી થઈ હતી, આ વર્ષે તંત્ર કોઈ જોખમ લેવા તૈયાર નથી
-
વર્ષ 2026 ના સર્વેમાં અનેક ભયજનક હિસ્સાઓ ઝડપાયા; જાનહાનિ ટાળવા જામ્યુકો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
આગામી ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય તે માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપીઓ (TPO) શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં શહેરમાં ૨૨૫ થી વધુ ઈમારતો ભયજનક હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં ૨૬ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.
ટીપીઓ શાખાનો સઘન સર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરિત બાંધકામોને ઓળખી કાઢવા માટે ટીપીઓ શાખાની ૬ અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા ગત વર્ષની નોટિસોનું પાલન ન કરનારા આસામીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વર્ષ ૨૦૨૬ ના નવા સર્વે મુજબ અત્યાર સુધીમાં ૮ મિલકતધારકોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે.
જવાબદારી માલિકોની રહેશે તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ભયજનક કે જર્જરિત ઈમારતોમાં રહેતા લોકોએ તાત્કાલિક ધોરણે બાંધકામને સુરક્ષિત અવસ્થામાં લાવવું પડશે. આ માટે જામ્યુકો (JMC) ના માન્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવીને રજૂ કરવું ફરજિયાત છે. જો કોઈ આસામી આ સૂચનાનું ઉલ્લંઘન કરશે અને ભવિષ્યમાં કોઈ હોનારત થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મિલકત ધારકની રહેશે.
ગત વર્ષનો કડવો અનુભવ ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫ માં પણ ૨૨૫ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં અનેક લોકોએ બેદરકારી દાખવી હતી, જેના પરિણામે શહેરમાં ૬ જેટલી ઈમારતોના અમુક હિસ્સાઓ ધરાશાયી થયા હતા. સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ વર્ષે તંત્ર આવી કોઈ પણ ક્ષતિ ચલાવી લેવા માંગતું નથી.