વડોદરામાં જાહેર પરિવહનનો નવો અધ્યાય: શહેરમાં પીએમ ઈ-બસોનું ભવ્ય આગમન, હવે સિટી બસ સેવા બનશે ‘રોયલ’
-
પ્રદૂષણમુક્ત અને અવાજ રહિત 100 બસો દોડાવવાનું આયોજન; રવિવાર સુધીમાં 32 બસોનો જથ્થો પહોંચી જશે
-
ગોત્રી ચાર્જિંગ સ્ટેશન સજ્જ- મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સુવિધાઓની આપી માહિતી; રૂટ અને ટ્રાયલ પર કામ શરૂ
-
દરેક સીટ પર ઈમરજન્સી સ્વિચ અને દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા; એકવાર ચાર્જ કરવાથી 150 કિમીની મળશે એવરેજ
વડોદરા: વડોદરા શહેરના જાહેર પરિવહન ક્ષેત્રે એક મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. ભારત સરકારના પીએમ ઈ-બસ પ્રોજેક્ટ હેઠળ વડોદરા શહેરમાં કુલ 100 આધુનિક ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે આજે શહેરમાં નવી 7 ઈલેક્ટ્રિક બસો આવી પહોંચી હતી, જ્યારે આગામી રવિવાર સુધીમાં વધુ બસોનો જથ્થો આવતા કુલ સંખ્યા 32 પર પહોંચી જશે. આ નવી બસોના આગમન સાથે વડોદરાના રસ્તાઓ પર પ્રદૂષણ મુક્ત અને અવાજ રહિત પરિવહનનો નવો અધ્યાય શરૂ થશે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ આધુનિક બસોમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે તમામ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં આ બસોને ચાર્જિંગ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. ખાસ કરીને સાંજના સમયે આ બસોનું વિવિધ રૂટ પર ટ્રાયલ લેવામાં આવશે જેથી તેની ટેકનિકલ ક્ષમતા અને બેટરી બેકઅપની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી શકાય.
શહેરના પશ્ચિમ વિસ્તાર એવા ગોત્રી ખાતે ઈ-ચાર્જિંગ સ્ટેશનનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં નિઝામપુરા તેમજ અન્ય મહત્વના વિસ્તારોમાં પણ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવો અને પર્યાવરણની જાળવણીના પ્રશ્નો વચ્ચે આ વીજળીથી ચાલતી બસો આર્થિક રીતે પણ કોર્પોરેશન અને નાગરિકો માટે ફાયદાકારક સાબિત થશે. એકવાર આ બસો કાર્યરત થયા બાદ નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થશે.
મુસાફરોની સુવિધા માટે આ બસોને કોઈ લક્ઝરી બસ જેવી જ હાઈટેક બનાવવામાં આવી છે. દરેક બસ સંપૂર્ણ એરકન્ડિશનર છે અને સુરક્ષા માટે CCTV કેમેરા તેમજ દરેક સીટ પર ઈમરજન્સી સ્વિચ મૂકવામાં આવી છે. વડીલો અને દિવ્યાંગો માટે અલાયદી બેઠક વ્યવસ્થા અને બસમાં આગામી સ્ટેશનના નામ દર્શાવતી LED સ્ક્રીન પણ લગાવાઈ છે. આ બસ એકવાર ફૂલ ચાર્જ થયા બાદ 150 કિમી સુધીની મુસાફરી કરવા સક્ષમ છે, જે શહેરની અંદરના રૂટ માટે પર્યાપ્ત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં આ બસોના નવા રૂટ નક્કી કરવા અને સ્ટાફની ભરતી પ્રક્રિયાના ટેકનિકલ પાસાઓ પર કામ ચાલી રહ્યું છે. વડોદરામાં યોજાનારી આગામી ચૂંટણીઓની આચારસંહિતા અને પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, આ બસોનું વિધિવત લોકાર્પણ ચૂંટણી બાદ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. એકવાર તમામ 100 બસો રસ્તા પર ઉતરશે, ત્યારે વડોદરાના છેવાડાના વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધશે અને નાગરિકોને ખાનગી વાહનો છોડીને જાહેર પરિવહન વાપરવા માટે પ્રોત્સાહન મળશે.