વડોદરામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો: 15 સ્ટેજ પર જોવા મળશે મીની ભારતની ઝાંખી
- પશ્ચિમ બંગાળની જીતની થીમ પર વડાપ્રધાનનું અભિવાદન; ગદા સર્કલથી એરપોર્ટ સુધી કેસરીયો માહોલ
- 2000 વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલ અને કોચિંગ સેન્ટર; દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી
- ચેતક કમાન્ડો અને SRPની ટુકડીઓ તૈનાત; રોડ શોના રૂટ પર થ્રી-લેયર બેરિકેડિંગ
સિટી ન્યુઝ @ વડોદરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધા બાદ વડોદરામાં આશરે ₹150 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ‘સરદારધામ-3’ સંકુલનું લોકાર્પણ કરશે. વડોદરામાં વડાપ્રધાનના આગમનને લઈને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન ગદા સર્કલથી એરપોર્ટ સુધી 1.5 કિમી લાંબો રોડ શો કરશે, જેના માટે સમગ્ર રૂટ પર અદભૂત થીમ બેઝ લાઇટિંગ અને શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની જીત બાદ તેઓ વડોદરા આવી રહ્યા હોવાથી રોડ શોની થીમ પણ બંગાળી સંસ્કૃતિ પર આધારિત રાખવામાં આવી છે.
વડાપ્રધાનના રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપ દ્વારા માર્ગ પર 15 જેટલા થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાંથી વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે. રોડ શોના રૂટ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને થ્રી-લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને વીજ પોલ પર વડાપ્રધાન મોદી તેમજ સરદાર પટેલની લાઇટિંગ આધારિત પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. ગરમીના પારાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓ માટે પીવાના પાણી અને ORSના પેકેટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાન જે સરદારધામ-3નું લોકાર્પણ કરવાના છે તે 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. આ 8 માળના બિલ્ડિંગમાં 2000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા છે. આ સંકુલની વિશેષતા એ છે કે તેમાં યુવક અને યુવતીઓ માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, જરૂરિયાતમંદ દીકરીઓ માટે અહીં માત્ર 1 રૂપિયો ફી રાખવામાં આવી છે, જે ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના મંત્રને સાર્થક કરે છે. સભા સ્થળે પણ લોકો માટે વિશાળ ડોમમાં કુલર અને સ્પ્રિંકલરની સુવિધા ઉભી કરવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, વડોદરા શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 1600થી વધુ જવાનો તૈનાત રહેશે. જેમાં 1 JCP, 10 DCP અને 15 ACP સહિતના અધિકારીઓ સુરક્ષાનું નેતૃત્વ કરશે. સુરક્ષા કવચમાં ચેતક કમાન્ડોની 2 ટીમ અને SRPFની 2 કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રોડ શોના રૂટ પર 317 ટ્રાફિક જવાનો અને 500 હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો છે કારણ કે પશ્ચિમ બંગાળની સાથે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાન રોડ શો દરમિયાન જનમેદનીનું અભિવાદન ઝીલશે અને મતદારોનો આભાર વ્યક્ત કરશે. સાંજના સમયે યોજાનારા આ કાર્યક્રમ માટે વડોદરાની સંસ્કારી નગરી લાઈટિંગના ઝગમગાટથી નવવધૂની જેમ સજ્જ થઈ છે. આ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા અમુક રસ્તાઓ પ્રતિબંધિત જાહેર કરી વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સામાન્ય જનતાને અગવડ ન પડે.