ધ્રોલ-જોડીયા હાઈવે પર ટ્રક પાછળ બોલેરો ઘૂસી: યુવકનું કરુણ મોત
- ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત; ઉર્ષના મેળામાંથી પરત ફરતા સમયે નડ્યો કાળ
- ટ્રક ચાલકની બેદરકારીએ નિર્દોષનો ભોગ લીધો; જોડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- વરવાળાના મેળામાંથી આમરણ જતા સમયે સર્જાયેલી દુર્ઘટના; હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ
જોડીયા: જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ધ્રોલ-જોડીયા હાઈવે પર જામદુધઈ ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે હાઈવે પર અચાનક જ બ્રેક મારતા પાછળથી પૂરઝડપે આવતી બોલેરો પીકઅપ ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બોલેરો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી.
બનાવની વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ દેવભૂમિ દ્વારકાથી મોરબી તરફ જઈ રહેલા મન્સુરી પરિવારને આ અકસ્માત નડ્યો હતો. ફરિયાદી અબ્દુલજબ્બાર મન્સુરીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઈ અબ્દુલગફાર મન્સુરી (ઉ.વ.35) પોતાની બોલેરો પીકઅપ (UP 43 CT 2892) લઈને દ્વારકાના વરવાળા ખાતે યોજાયેલા ઉર્ષના મેળામાંથી પરત ફરી રહ્યા હતા. તેઓ મોરબી જિલ્લાના આમરણમાં યોજાનારા મેળામાં જઈ રહ્યા હતા ત્યારે સવારે 9:00 વાગ્યે સનસાઇન સ્કૂલ સામે આ દુર્ઘટના ઘટી હતી.
હાઈવે પર આગળ જઈ રહેલા ટ્રક (GJ 12 BW 6933) ના ચાલક ધર્મેન્દ્રકુમાર રમજીત પાલે પોતાની બેદરકારી દાખવીને અચાનક બ્રેક મારી દીધી હતી. જેના કારણે પાછળ આવતી બોલેરો ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. જોકે, અબ્દુલગફારને માથા અને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ થવાથી તેમણે દમ તોડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા રામસેવક સોનકરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ જોડીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉર્ષના મેળાના આનંદમાં રહેલા પરિવાર પર અચાનક કાળનો પંજો ત્રાટકતા શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
જોડીયા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 106(1) (બેદરકારીથી મોત), 125(એ), 281 તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાઈવે પર વાહનોની ગતિ અને ચાલકોની અચાનક બ્રેક મારવાની કુટેવ અવારનવાર આવા નિર્દોષ લોકોના જીવ લેતી હોય છે, ત્યારે પોલીસ હવે આ મામલે વધુ ઊંડી તપાસ કરી રહી છે.