Loading Please Wait !!!
NEET પરીક્ષા માટે ઓખા-ગાંધીનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

 

» 20 અને 21 જૂને 2 ફેરા માટે ખાસ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે

» રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર સહિતના સ્ટેશનો પર ટ્રેનનું સ્ટોપેજ અપાશે

સીટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવે દ્વારા રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-૨૦૨૬) માં બેસનારા ઉમેદવારોની સુવિધા અને મુસાફરોની વધારાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન સંખ્યા ૦૯૫૫૪ ઓખા-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ૨૦ જૂન ૨૦૨૬, શનિવારના રોજ ઓખાથી વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે બપોરે ૧૫:૦૦ વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે.

તેવી જ રીતે, પરત ફરતી વખતે ટ્રેન સંખ્યા ૦૯૫૫૩ ગાંધીનગર કેપિટલ-ઓખા સ્પેશિયલ ૨૧ જૂન ૨૦૨૬, રવિવારના રોજ ગાંધીનગર કેપિટલથી રાત્રે ૨૦:૫૫ વાગ્યે ઉપડશે અને ૨૨ જૂન ૨૦૨૬, સોમવારના રોજ સવારે ૦૬:૪૦ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેનમાં સ્લીપર તેમજ સામાન્ય શ્રેણી (જનરલ) ના કોચ રાખવામાં આવ્યા છે.

આ સ્પેશિયલ ટ્રેન માર્ગમાં બંને દિશામાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, કાનાલુસ, જામનગર, હાપા, પડધરી, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી સ્ટેશનો પર ઊભી રહેશે. જેનાથી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મોટી સરળતા રહેશે.

ટ્રેન સંખ્યા ૦૯૫૫૪/ ૦૯૫૫૩ નું બુકિંગ ૧૯ જૂન ૨૦૨૬ થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની સત્તાવાર વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ અને સમયની વધુ માહિતી રેલવેની ઇન્ડિયનવેલી વેબસાઇટ પરથી મેળવી શકે છે.