નીતિ આયોગના રિપોર્ટે ગુજરાતના ચમકતા શિક્ષણ મોડેલની પોલ ખોલી
- રાજ્યની 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક; ધોરણ 1થી 8ના તમામ વિષયો ભણાવવા મજબૂર
- 63 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી છતાં 78 શિક્ષકો હાજરી પૂરી પગાર પકવે છે
- ચાલુ વર્ષે 6.4 લાખ બાળકો અનટ્રેક્ડ હોવાનો ખુલાસો; નીતિ આયોગના અહેવાલથી ચકચાર
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ સ્તરને સુધારવા માટે કરવામાં આવતા મોટા-મોટા દાવાઓ વચ્ચે નીતિ આયોગના એક આંતરિક અહેવાલે સરકારી શિક્ષણ મોડેલની વાસ્તવિક સ્થિતિ જાહેર કરી દીધી છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા 'સ્કુલ એજ્યુકેશન સીસ્ટમ ઇન ઇન્ડિયા ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાન્સમેન્ટ' નામના રિપોર્ટમાં ગુજરાતના સરકારી શિક્ષણ તંત્રના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અહેવાલ મુજબ, રાજ્યની 2936 સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે, અને આ એક જ શિક્ષક ધોરણ 1 થી 8 ના તમામ વિષયો ભણાવે છે.
બીજી તરફ, તંત્રની અદભુત ઉદારતા અને ગેરવ્યવસ્થાના દર્શન એવા થાય છે કે રાજ્યની 63 શાળાઓમાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નોંધાયેલો નથી, છતાં ત્યાં 78 શિક્ષકો રોજ હાજરી પૂરીને નિયમિત સરકારી પગાર મેળવી રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે સરકારી સ્તરે શિક્ષકોની બદલી અને નિમણૂકના આયોજનમાં કેટલી મોટી ખામીઓ રહેલી છે. સરકાર ભલે સરેરાશ આંકડા જાહેર કરીને પીઠ થાબડતી હોય કે રાજ્યમાં દર 24 કે 27 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિક ધરાતલ પર સ્થિતિ બિલકુલ વિપરીત છે.
શિક્ષણ વિભાગના સત્તાવાર આંકડાઓની વિગત આપતા કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ ભાજપ સરકારની દિશાવિહીન નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 5612 સરકારી શાળાઓને કાયમી તાળા મારી દેવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામીણ અને પછાત વિસ્તારોના ગરીબ બાળકોનો શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર સરેઆમ છીનવાઈ રહ્યો છે. રાજ્યના અંદાજપત્રમાં શિક્ષણ ક્ષેત્ર પાછળ ₹63,134 કરોડ જેટલા માતબર નાણાંની જોગવાઈ હોવા છતાં, હકીકતમાં આ કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તે એક મોટો તપાસનો વિષય છે.
રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ધોરણ 10 સુધી પહોંચતા-પહોંચતા 27.6% એટલે કે અંદાજે કુલ 2.3 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે, જે ડ્રોપઆઉટ રેશિયોની ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. આ ઉપરાંત, ચાલુ વર્ષે અંદાજે 6.4 લાખ બાળકો 'અનટ્રેક્ડ' (લાપતા અથવા રેકોર્ડ બહાર) નોંધાયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો, રાજ્યની અનેક શાળાઓમાં ચોમાસા દરમિયાન છત પરથી પાણી ટપકે છે, પ્રયોગશાળાઓ માત્ર કાગળ પર ચાલે છે અને શૌચાલયોની ભયાનક દુર્દશાને કારણે વિદ્યાર્થીઓ ધોરણ 6, 7 કે 11 માં આવતા જ શાળા છોડી દેવાનું મુનાસિબ સમજે છે. હાલ રાજ્યમાં 42 હજાર જેટલા વર્ગખંડોની ભારે અછત વર્તાઈ રહી છે.
ગુજરાતમાં સરકારી શિક્ષણની કથળતી સ્થિતિના પ્રમુખ આંકડા
નીતિ આયોગ અને શિક્ષણ વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં હાલ 42 હજાર વર્ગખંડોની મોટી ઘટ છે. આ સાથે જ ધોરણ 10 સુધીમાં 2.3 લાખ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થઈ રહ્યા છે અને ચાલુ વર્ષે 6.4 લાખ બાળકો શિક્ષણના ટ્રેકિંગ રેકોર્ડમાંથી બહાર છે. આર્થિક જોગવાઈ ₹63,134 કરોડ હોવા છતાં ગ્રામીણ વિસ્તારોની 5612 શાળાઓ બંધ થતાં ગરીબ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણ પર નિર્ભર થવા મજબૂર બન્યા છે.