Loading Please Wait !!!
સુરતના નાસિરનગરમાં રહસ્યમય ડિમોલિશન: બિલ્ડરને ફાયદો કરાવવા માટે ષડ્યંત્ર?

  • શૈલેષ બગદાણાના પ્રોજેક્ટ માટે 100 ઘર તોડાયા, અધિકારીઓના નિવેદનોમાં વિરોધાભાસ
  • મંજૂરી વગર 12 ટાવરનું બાંધકામ, રસ્તો કાઢવા નાસિરનગરના આશિયાના છીનવાયા
  • ડિમોલિશન મામલે તંત્રના ગોળગોળ જવાબ, રહીશોના આશિયાના પર બુલડોઝર ફર્યું

સિટી ન્યુઝ @ સુરત

સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસિર નગર વિસ્તારમાં ગત 29 અને 30 મેના રોજ થયેલું 100 મકાનોનું ડિમોલિશન રહસ્યના ઘેરામાં છે. સ્થાનિક રહીશો અને દિવ્ય ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે કે આ તોડફોડ પાછળ પાલીયા લાઇફ સ્ટાઇલ અને એલિગન્સ પ્રોજેક્ટના બિલ્ડર શૈલેષ બગદાણાને ફાયદો કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ પ્રોજેક્ટ્સને કનેક્ટિવિટી આપવા અને 40 ફૂટનો રસ્તો ક્લિયર કરવા માટે નાસિર નગરના રહીશોના ઘર તોડી પાડવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં મકાનો તોડવા છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે આ મામલે પોતાની જવાબદારી ખંખેરી રહ્યું છે.

આ કામગીરીમાં મનપાના સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયાંગ રામજીવાલાની ભૂમિકા શંકાના દાયરામાં છે. તેમણે પહેલાં એવું નિવેદન આપ્યું હતું કે બિલ્ડરે રસ્તા માટે જમીન આપી એટલે કબજો લીધો છે, ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ સ્થળ પર ગયા જ નહોતા, અને છેલ્લે ડિમાર્કેશનનું બહાનું કાઢ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે કરાયેલા આ ડિમોલિશનમાં બિલ્ડરની તરફેણમાં રસ્તો કાઢવાની પેરવી હોવાનું સ્પષ્ટ જણાય છે. રહીશો દ્વારા અનેકવાર વિરોધ કરવા છતાં અને સમય માંગવા છતાં તેમના આશિયાના તોડી પાડવામાં આવ્યા છે.

ગંભીર બાબત એ છે કે જે જમીન માટે આ ડિમોલિશન કરાયું તેની બાજુમાં જ 12 ટાવરનું ગેરકાયદે બાંધકામ ધમધમી રહ્યું છે, જેને કોઈ મંજૂરી મળી નથી. આ પ્રોજેક્ટના બિલ્ડરને મદદ કરવા માટે પાલિકાના કેટલાક અધિકારીઓ અને તંત્રએ મળીને આ ષડ્યંત્ર રચ્યું હોવાની ચર્ચા સુરત શહેરમાં જોરશોરથી ચાલી રહી છે. સ્થાનિક રહીશોએ નોર્થ ઝોનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનરને અરજી કરીને રક્ષણ માંગ્યું હતું છતાં વહીવટીતંત્રએ બિલ્ડર તરફી નિર્ણય લઈ 1000 થી વધુ લોકોની વસાહત તોડી નાખી છે.

 

ડિમોલિશનનું સત્ય અને સ્થાનિકોનો આક્રોશ

નાસિર નગરના 1000 થી વધુ રહીશો આજે રસ્તા પર આવી ગયા છે કારણ કે તેમની વસાહત પાસે બની રહેલા 12 ગેરકાયદે ટાવરના બિલ્ડરને પાલિકાના અધિકારીઓએ સીધો ફાયદો કરાવી આપ્યો છે. કનેક્ટિવિટીના નામે રસ્તો તોડી પાડવો એ બિલ્ડરના પ્રોજેક્ટને આકર્ષક બનાવવા માટેનું આયોજન હોવાનું સ્થાનિકો માને છે. હવે તપાસના આદેશો અપાયા છે પરંતુ રહીશોનું ઘર તો પાછું આવવાનું નથી.