પાલીતાણામાં રામકથાનો ભક્તિમય માહોલ: મોરારીબાપુની કથામાં 50 હજારથી વધુ ભાવિકો ઉમટ્યા, સગાપરાની ધાર બની ‘રામમય’
-
લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવીની ઉપસ્થિતિ; ૨૦૦૦ વર્ષ જૂનું જૈન રામાયણ પૂજ્ય બાપુને કરાયું અર્પણ
-
સાધુ-સંતો અને મહંતોના સંગમ સાથે ભજન-ભોજનનો ત્રિવેણી સંગમ; શિક્ષકો અને સેવાભાવીઓની અવિરત સેવા
-
ચોથા દિવસે પંડાલ ભરાયું, ભક્તિના રંગે રંગાયા ભાવિકો; યજમાન ભરતભાઈ રાણીંગાએ સૌને પધારવા કર્યું આહવાન
પાલીતાણા તાલુકાના સગાપરાની ધાર ખાતે પૂજ્ય મોરારીબાપુના મુખે ગવાઈ રહેલી રામકથા 'માનસ - શ્રી શિવ સંકલ્પ' ના ચોથા દિવસે આજે શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો હતો. ગત શનિવારથી શરૂ થયેલી આ કથામાં આજે અંદાજે ૫૦ હજાર જેટલા શ્રોતાઓની જંગી મેદની વચ્ચે ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
જૈન રામાયણનું અર્પણ અને સાંસ્કૃતિક સમન્વય આજની કથાનું મુખ્ય આકર્ષણ જૈન આચાર્યોની ઉપસ્થિતિ રહી હતી. અઢી દ્વીપ જૈન આચાર્ય મુનિઓએ પૂજ્ય બાપુને અંદાજે ૨૦૨૨ વર્ષ જૂનું જૈન રામાયણ 'પઉમચરિયં' અર્પણ કર્યું હતું. આ ગ્રંથ આચાર્ય વિમલસૂરિજી મહારાજ દ્વારા વિક્રમ સંવત ૬૦માં રચવામાં આવ્યો હતો. જૈન ધર્મ અને રામકથાના આ સંગમે શ્રોતાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
સેલેબ્રિટીઝ અને સાધુ-સંતોની હાજરી રામકથાના ચોથા દિવસે લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી પણ પૂજ્ય બાપુના આશીર્વાદ લેવા અને કથાશ્રવણ માટે પહોંચ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક સાધુ-સંતો અને મહંતો આ અવસરે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
ઉમદા વ્યવસ્થા અને સેવા મધ્યસ્થ કાર્યાલય દ્વારા શ્રોતાઓ માટે ભોજન અને ઉતારાની શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યમાં પાલીતાણાના શિક્ષક મિત્રો અને અનેક સેવાભાવી યુવાનો અવિરત સેવા આપી રહ્યા છે. યજમાન ભરતભાઈ રાણીંગાએ ભાવિકોને આ જ્ઞાનગંગાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે.