Loading Please Wait !!!
સુરતના મોટા વરાછામાં શાળા સ્થળાંતર સામે વાલીઓનો ઉગ્ર આક્રોશ

શિક્ષણ સમિતિના મનસ્વી નિર્ણય સામે વિદ્યાર્થીઓએ શરૂ કર્યા ઉપવાસ, તંત્ર દોડતું થયું

શાળા નંબર 354ના 320 વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડાતા વાલીઓમાં ભારે રોષ

પાંચ વર્ષથી ચાલતી અંગ્રેજી માધ્યમની શાળા બદલવાના નિર્ણયથી સમગ્ર વિસ્તાર ગરમાયો

સિટી ન્યુઝ @ સુરત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલા શાળા સ્થળાંતરના નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળા નંબર 354 ના અંગ્રેજી માધ્યમના 320 જેટલા વિદ્યાર્થીઓને અચાનક અન્ય શાળા નંબર 309 ખાતે ખસેડવાના નિર્ણયને લઈને સમગ્ર વિસ્તાર ગરમાયો છે. આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને વિદ્યાર્થીઓએ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું છે. સુરતમાં શિક્ષણના હક માટે વિદ્યાર્થીઓ ઉપવાસ કે આંદોલન પર ઉતરે તેવો કદાચ આ પહેલો કિસ્સો છે જેને પગલે સ્થાનિક વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ શાળા નંબર 354 માં અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષથી સ્થિર રીતે આ જ સંકુલમાં અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ સત્તાધીશો દ્વારા 14-05-2026ના રોજ સ્થળાંતરનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં વાલીઓને આ અંગેની જાણ માત્ર 02-06-2026ના રોજ કરવામાં આવી હતી. આ વિલંબિત માહિતી અને એકતરફી નિર્ણયને લઈને વાલીઓમાં ગંભીર અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે શાળા બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાથમાં પ્લે કાર્ડ લઈને “શિક્ષણ સાથે રાજકારણ નહીં, અમને ન્યાય જોઈએ” જેવા નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કોઈપણ પ્રકારની ચર્ચા કે પૂર્વ સંમતિ લીધા વગર મનસ્વી રીતે આ નિર્ણય થોપી દીધો છે. 309 નંબરની શાળા ભૌગોલિક રીતે ઘણી દૂર હોવાથી નાના વિદ્યાર્થીઓને દૈનિક આવન-જાવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમજ તેમના અભ્યાસ પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા વિદ્યાર્થીઓએ જૂની શાળા છોડવાનો સાફ ઇનકાર કરી દીધો છે અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. હાલ સમગ્ર વરાછા વિસ્તારમાં આ મુદ્દે ભારે તણાવ અને અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓની મક્કમ લડત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એકતરફી આદેશ સામે મોટા વરાછાના વાલીઓએ આરપારની લડાઈ શરૂ કરી છે. નવી શાળા અંતરિયાળ વિસ્તારમાં હોવાથી 320 બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે. તંત્ર દ્વારા આ જોહુકમી બંધ કરીને તાત્કાલિક જૂની શાળા ચાલુ રાખવાનો પુનર્વિચાર કરવામાં આવે તેવી મક્કમ માંગ સાથે વિદ્યાર્થીઓ મક્કમતાથી ઉપવાસ પર બેઠા છે.