પાલ ગૌરવપથના કચરાના ઢગલામાં ભીષણ આગ, 13 કલાકથી મથામણ
- સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં લાગેલી આગથી અફરાતફરી, ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી
- 13 કલાક બાદ પણ આગ સંપૂર્ણ કાબૂમાં નહિ, 3 ફાયર ફાઈટર અને જેસીબીથી કુલિંગ કામગીરી ચાલુ
- ગાર્ડન વેસ્ટના ઢગલામાં આગ ભભૂકતા 6 ફાયર સ્ટેશનની ગાડીઓએ 13 કલાક સતત પાણીનો મારો ચલાવ્યો
સિટી ન્યુઝ @ સુરત
સુરત શહેરના પાલ ગૌરવપથ રોડ પર આવેલા સુરત મહાનગરપાલિકાના એક ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનનો વેસ્ટેડ કચરો અને સૂકા પાંદડા મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવતા હતા. કચરો સૂકો હોવાથી જોતજોતામાં આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા ઉડતા દેખાયા હતા.
સ્થાનિક કોર્પોરેટર નીલેશ પટેલ દ્વારા સાંજે 7:20 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પાલનપુર, મોરાભાગળ, અડાજણ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ઓફિસર ગિરીશ શેલરના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.
આગ એટલી પ્રચંડ છે કે 13 કલાકથી વધુ સમય વીતી જવા છતાં કચરાના વિશાળ ઢગલામાં હજુ આગ ધગધગી રહી છે. હાલ પરિસ્થિતિ આંશિક નિયંત્રણમાં છે, પરંતુ તેને સંપૂર્ણ શાંત કરવા હજુ 3 ગાડીઓ અને જેસીબીની મદદથી કુલિંગની કામગીરી ચાલુ છે. આ ભયાનક આગે સ્થાનિકોને ખજોદ ડમ્પિંગ સાઇટની ભયાવહ ઘટનાની યાદ અપાવી દીધી છે, જેથી ખુલ્લા પ્લોટમાં કચરાના નિકાલ અને વાયુ પ્રદૂષણના મુદ્દે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કુલિંગની કામગીરીમાં જેસીબીની મદદ લેવાઈ પાલના પ્લોટમાં 13 કલાક બાદ પણ કચરાના ઢગલામાં અંદરખાને આગ ધગધગી રહી હોવાથી ફાયર વિભાગે 3 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખ્યો છે. મહાનગરપાલિકાના જેસીબી મશીન વડે કચરાના મોટા ઢગલા ખસેડવામાં આવી રહ્યા છે જેથી અંદર રહેલી આગ પર સીધું પાણી છાંટીને કુલિંગની કામગીરી ઝડપથી અને સંપૂર્ણપણે પૂર્ણ કરી શકાય.