Loading Please Wait !!!
મકરપુરા કિડનેપિંગ કેસમાં પોલીસની મોટી સફળતા: પ્રાંતિજથી 2 આરોપી ઝડપાયા, 20 વર્ષના યુવકને મોતના મુખમાંથી ઉગાર્યો

 

  • પૈસાની લેતીદેતીમાં અર્ટિગામાં થયું હતું અપહરણ; ટોલ પ્લાઝાના CCTV ફૂટેજે અપહરણકારોનો ખેલ પાડી દીધો

  •  સરસ્વતી ટાઉનશીપમાંથી બે યુવાનોને ઉઠાવ્યા હતા; હાલોલ રોડ પર એકને છોડ્યો, બીજાને છેક સાબરકાંઠા લઈ ગયા

  • પૈસા પરત માંગવા બાબતે થઈ હતી બોલાચાલી; પ્રાંતિજ અને અમદાવાદના શખ્સો સામે પોલીસે કરી કડક કાર્યવાહી

    વડોદરાના મકરપુરા વિસ્તારમાં પૈસાની લેતી-દેતી મામલે બે યુવાનોના અપહરણની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. જોકે, મકરપુરા પોલીસે અત્યંત સતર્કતા દાખવી ટેકનિકલ સર્વેલન્સ અને હાઈવે પરના ટોલ પ્લાઝાના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી યુવાનોને હેમખેમ છોડાવ્યા છે. પોલીસે આ ગુનામાં બે શખ્સોની ધરપકડ કરી છે અને અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

    આ સમગ્ર ઘટના ૨૧ એપ્રિલના રોજ સાંજના સુમારે બની હતી. મકરપુરા ડેપો પાછળ આવેલી સરસ્વતી ટાઉનશીપમાં રહેતા નિલેશભાઈ ચૌહાણનો ૨૦ વર્ષીય પુત્ર આદિત્ય અને તેનો મિત્ર વિશાલ રોહિત (૨૫) ઘરે સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સો અર્ટિગા કાર લઈને ત્યાં આવ્યા હતા અને જૂના નાણાં પરત માંગવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ, આ શખ્સો બંને યુવાનોને જબરદસ્તી ખેંચીને પોતાની કારમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

    બનાવની ગંભીરતાને ધ્યાને રાખી મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. ગોહિલની ટીમે તાત્કાલિક અલગ-અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી. અપહરણકારોએ વિશાલ રોહિતને હાલોલ રોડ પર રસ્તામાં ઉતારી દીધો હતો, જ્યારે આદિત્યને તેઓ સાબરકાંઠાના પ્રાંતિજ તરફ લઈ ગયા હતા. પોલીસે હાઈવે પરના વિવિધ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં અર્ટિગા કાર પ્રાંતિજ તરફ જતી હોવાનું સ્પષ્ટ જણાતા પોલીસે તે દિશામાં પીછો કર્યો હતો.

    પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી ચોક્કસ લોકેશન મેળવી પ્રાંતિજ ખાતેથી બે આરોપીઓને દબોચી લીધા હતા અને આદિત્યને સુરક્ષિત રીતે છોડાવી તેના પરિવારને સોંપ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં ૫૫ વર્ષીય સુરેશ કાળાભાઈ વણકર (રહે. પ્રાંતિજ) અને ૨૫ વર્ષીય કુલદીપ હરજીભાઈ ચૌધરી (રહે. અમદાવાદ) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી અપહરણમાં વપરાયેલી અર્ટિગા કાર સહિત કુલ ₹૫,૫૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    પીઆઈ એ. એમ. ગોહિલે જણાવ્યું હતું કે, જ્યાંથી અપહરણ થયું ત્યાં સીસીટીવી કેમેરા નહોતા, પરંતુ હાઈવે પરના ટોલ પ્લાઝા અને હાલોલથી મળેલી માહિતીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. હાલમાં બે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે આ કાવતરામાં સામેલ અન્ય બે શખ્સોને પકડવા માટે પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. આ સફળ કામગીરીથી ભયભીત પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.