Loading Please Wait !!!
કરજણની કાનમ પેપર મિલમાં ભીષણ આગ: મેજર કોલ જાહેર કરાયો

  • 15 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં, 4 શહેરોની ફાયર ફાઇટર ટીમો જોડાઈ.
  • વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરની 6 ગાડીઓ હજુ પણ કુલિંગની કામગીરીમાં વ્યસ્ત.
  • પુઠ્ઠાના જથ્થામાં આગ ઓલવવી બની પડકારરૂપ, નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા.

કરજણ: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં ગત રોજ બપોર બાદ ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. પેપર મિલમાં રહેલા પુઠ્ઠા અને કાગળના જથ્થાને કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયંકર હતી કે વડોદરા જિલ્લા તંત્ર દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો અને આસપાસના જિલ્લાઓમાંથી પણ મદદ લેવાની ફરજ પડી હતી.

આગ લાગવાની જાણ થતાની સાથે જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગ બેકાબૂ બનતા ભરૂચ ફાયર, વડોદરા ફાયર અને અંકલેશ્વર GIDC ફાયરની ટીમોને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. વડોદરા ફાયર વિભાગની ત્રણ અલગ-અલગ સ્ટેશનની 4 ટીમો સતત પાણીનો મારો ચલાવી રહી હતી. પેપર મિલમાં પુઠ્ઠાના જથ્થામાં અંદરખાને આગ સળગતી રહેતી હોવાથી એકવાર બુઝાયા બાદ આગ ફરી પકડી લેતી હતી, જેને કારણે ફાયર ફાઇટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આશરે 15 કલાકની સતત અને થકવી નાખનારી કામગીરી બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે, હજુ પણ સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને 'કુલિંગ'ની પ્રક્રિયા કરી રહી છે. પેપર મિલની અંદર રહેલા કાચા માલ અને મશીનરીમાં મોટું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે આસપાસની અન્ય ખાનગી કંપનીઓમાંથી પણ પાણીના ટેન્કરો મંગાવવા પડ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોઈને કરજણ નાયબ કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ અને કરજણ મામલતદાર સહિતના ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગના પગલે મિલના કામદારોમાં ગભરાટ ફેલાયો હતો અને સ્થળ પર તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.

કાનમ પેપર મિલમાં આ ભીષણ આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતાઓ છે, પરંતુ ફાયર વિભાગ અને એફએસએલની તપાસ બાદ જ સત્તાવાર કારણ સ્પષ્ટ થશે. હાલમાં ફાયર વિભાગનું ધ્યાન સંપૂર્ણપણે કુલિંગ પ્રોસેસ પર છે જેથી ફરીથી કોઈ સ્થળે તણખલામાંથી આગ ન ભભૂકી ઉઠે. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.