Loading Please Wait !!!
MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય: સાયન્સ ફેકલ્ટીના મોટાભાગના હાયર પેમેન્ટ કોર્સ બંધ, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા નડી

 

  • નવા વર્ષથી માત્ર માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રીમાં જ મળશે પ્રવેશ; ફિઝિક્સ, મેથ્સ અને બોટની જેવા વિષયો પર મુકાયું પૂર્ણવિરામ

  •  બેઠકો ખાલી રહેતા સત્તાધીશોની મૂંઝવણ વધી; ગ્રાન્ટ-ઈન-એઈડ બેઠકો પણ પૂરેપૂરી ભરાતી નથી

  • તબક્કાવાર શિફ્ટિંગની પ્રક્રિયા શરૂ થશે; કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓને મુખ્ય ફેકલ્ટીનો લાભ મળશે

    વડોદરા: એશિયાભરમાં પ્રખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીએસસી (B.Sc.) કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષથી મહત્વના ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ, હાયર પેમેન્ટ બેઠકો પર હવે માત્ર કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી વિષયોમાં જ પ્રવેશ આપવામાં આવશે, જ્યારે ફિઝિક્સ, મેથ્સ, ઝૂલોજી અને બોટની જેવા વિષયોના હાયર પેમેન્ટ કોર્સ બંધ કરી દેવામાં આવશે.

    પાદરા કેમ્પસનું બિલ્ડિંગ હવે કોમર્સ ફેકલ્ટી હસ્તક વર્ષ ૨૦૧૫ માં જ્યારે બીએસસીમાં પ્રવેશ માટે ભારે ધસારો હતો, ત્યારે પાદરા કોલેજ ખાતે સ્પેશિયલ લેબોરેટરી અને અલાયદું બિલ્ડિંગ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે, હવે હાયર પેમેન્ટમાં માંડ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ બચ્યા હોવાથી આ વિશાળ બિલ્ડિંગનો ઉપયોગ કેવી રીતે કરવો તે પ્રશ્ન હતો. હાલમાં એવી પ્રબળ ચર્ચા છે કે આ બિલ્ડિંગ કોમર્સ ફેકલ્ટીને સોંપવામાં આવશે, જે લાંબા સમયથી જગ્યાની અછતનો સામનો કરી રહી છે.

    ગ્રાન્ટ-ઈન-એઈડ બેઠકોમાં પણ ખાલીપો માત્ર હાયર પેમેન્ટ જ નહીં, પરંતુ સાયન્સ ફેકલ્ટીની ૧૧૦૦ જેટલી ગ્રાન્ટ-ઈન-એઈડ બેઠકો પર પણ વિદ્યાર્થીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જીકાસ (GCAS) પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ છેલ્લા બે વર્ષથી જિઓલોજી અને જિઓગ્રાફી જેવા વિષયોની બેઠકો ભરાતી નથી. ગત વર્ષે કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી સિવાયના વિષયોમાં આંગળીના વેઢે ગણાય તેટલા જ પ્રવેશ થયા હતા, જે શૈક્ષણિક જગત માટે ચિંતાનો વિષય છે.

    વિદ્યાર્થીઓનું મુખ્ય કેમ્પસમાં સ્થળાંતર નવા નિર્ણય મુજબ, પાદરા કોલેજ ખાતે કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ તબક્કાવાર સાયન્સ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના મુખ્ય સંસાધનો અને વાતાવરણનો લાભ મળશે. સત્તાધીશોના મતે, ખર્ચ ઘટાડવા અને ઉપલબ્ધ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે આ એક અનિવાર્ય પગલું છે. આ ફેરબદલથી એમ.એસ. યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં મોટા ફેરફારો જોવા મળશે.