ભાવનગરમાં શ્રમજીવીઓનો હુંકાર: લઘુત્તમ વેતન વધારવા કલેક્ટરને આવેદનપત્ર
-
આંગણવાડી અને આશા વર્કરો હવે ગાંધીનગરમાં ધામા નાખવાની તૈયારીમાં.
-
12 કલાક કામ કરાવી 8 કલાકનો પગાર આપતી કોન્ટ્રાક્ટ પ્રથા સામે રોષ.
- "સન્માનભેર વેતન આપો નહીંતર કુટુંબ જીવી શકે તેમ નથી" - શ્રમિકોની વેદના.
સિટી ન્યુઝ @ ભાવનગર
આજે 1લી મે, આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસના અવસરે ભાવનગર શહેરમાં શ્રમિકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શહેરના પાનવાડી વિસ્તાર ખાતેથી જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમિકોએ સૂત્રોચ્ચાર કરી મોંઘવારીના પ્રમાણમાં લઘુત્તમ વેતનમાં વધારો ન કરવા બદલ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો અને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
શ્રમિક નેતા અરુણ મહેતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને પોતે શપથ ગ્રહણ સમયે કહ્યું હતું કે વ્યક્તિને જીવવા માટે ઓછામાં ઓછા ₹26,000 જોઈએ, પરંતુ હાલમાં આંગણવાડી વર્કરોને માત્ર ₹10,000 અને આશા વર્કરોને ₹5,500 જેવું નજીવું વેતન આપવામાં આવે છે. મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે પરંતુ શ્રમજીવીઓના વેતનમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.
આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં હાલમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમની બોલબાલા છે, જેમાં શ્રમિકોને પગાર ચિઠ્ઠી કે ઓવરટાઇમ મળતો નથી. કેન્દ્ર સરકારે 12 કલાક કામ કરવાના દિવસની જાહેરાત કરી છે, જેના પરિણામે શ્રમિકો પાસેથી 12 કલાક કામ લેવામાં આવે છે પરંતુ પગાર માત્ર 8 કલાકનો જ ચૂકવવામાં આવે છે. કામદારોમાં આ શોષણ સામે ચારે બાજુથી આક્રોશ ફાટી નીકળ્યો છે.
આ પ્રસંગે અરુણ મહેતાએ ચીમકી ઉચ્ચારી હતી કે આગામી દિવસોમાં આંગણવાડી અને આશા વર્કરો દ્વારા જબ્બર આંદોલનો કરવામાં આવશે. જો સરકાર લઘુત્તમ વેતનમાં વધારો કરવાની માંગણી સ્વીકારશે નહીં, તો રાજ્યભરના શ્રમજીવીઓ ગાંધીનગર ખાતે ધામા નાખીને બેસી જશે. શ્રમિકોની એક જ માંગ છે કે તેમને સન્માનભેર વેતન આપવામાં આવે જેથી તેઓ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકે.
આજની આ રેલી અને આવેદનપત્ર એ માત્ર આંદોલનનો પ્રારંભ હોવાનું શ્રમિક સંગઠનોએ જણાવ્યું હતું. સુરત અને નોઈડાની જેમ ભાવનગરમાં પણ કામદારો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે શ્રમજીવીઓના આ પડઘા ગાંધીનગર સુધી કેટલા પહોંચે છે અને સરકાર વેતન વધારા અંગે શું નિર્ણય લે છે.