Loading Please Wait !!!
જૂનાગઢમાં ‘ચૂંટણી બહિષ્કાર’ જેવો માહોલ: માણાવદરના ₹39 કરોડના કૌભાંડ મુદ્દે ભીમ આર્મી અને દલિત સમાજનું રણશિંગું

 

  • ‘મારી-માટી મારો-દેશ, કરો કૌભાંડ લૂંટો દેશ’ ના નારા સાથે કલેક્ટરને આવેદન; 25-26 એપ્રિલે વિરોધ પ્રદર્શનની ચીમકી

  •  2016 થી પેન્ડિંગ પ્રશ્નો અને 13 મજબૂત પુરાવા છતાં કાર્યવાહી શૂન્ય; વહીવટી તંત્ર સામે જનજાગૃતિ અભિયાનની તૈયારી

  •  ચૂંટણી બૂથની બહાર પોસ્ટરો લગાવી જનતાને જાગૃત કરશે દલિત સમાજ; અધિકારીઓના પક્ષપાતી વલણ સામે ભારે રોષ

    જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ગરમાવો વધી રહ્યો છે ત્યારે જ માણાવદર તાલુકામાં થયેલા કથિત ₹39 કરોડના ભ્રષ્ટાચાર અને અનુસૂચિત જાતિના પડતર પ્રશ્નોને લઈને સામાજિક સંગઠનોએ વહીવટી તંત્ર સામે યુદ્ધનું એલાન કર્યું છે. ભીમ આર્મી અને દલિત સમાજ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં સરકાર પર પક્ષપાતી વલણ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

    ગૃહમંત્રી સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય ભીમ આર્મીના પ્રમુખ ગુણવંતભાઈ મિયાત્રાએ આક્ષેપ કર્યો છે કે માણાવદર તાલુકાના ભ્રષ્ટાચાર અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ૨૦૨૩ સુધીમાં ૫ થી વધુ વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને ૧૩ જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ પણ સોંપવામાં આવ્યા છે, છતાં સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યોના દબાણ હેઠળ કોઈ તપાસ થતી નથી. આવેદનમાં જણાવ્યા મુજબ, તંત્ર વિરોધ પક્ષના ધારાસભ્યો હોય તેવા વિસ્તારોમાં તત્કાલિક ગુના નોંધે છે પરંતુ માણાવદરમાં મૌન સેવી રહ્યું છે.

    ચૂંટણી બૂથ બહાર વિરોધનું આયોજન આ મામલે તંત્રને જગાડવા માટે આગામી ૨૫ અને ૨૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ચૂંટણી બૂથની મર્યાદા બહાર પોસ્ટરો દ્વારા જનજાગૃતિ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્લોટ ફાળવણીમાં રાજકારણ અને ગીર સોમનાથમાં ૬ વર્ષથી બંધ છાત્રાલયો જેવા ૨૧ ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો કાળવા ચોકથી નામદાર કોર્ટ સુધી ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.