જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક: દરરોજ 10,000 બોક્સની હરાજી છતાં ખેડૂતોના મુખે ‘મધુરપ’ ગાયબ
-
કમોસમી વરસાદ અને ગ્લોબલ વોર્મિંગે બગાડ્યું ખેડૂતોનું ગણિત; ₹1100 ના ભાવે કેરી વેચવા ખેડૂતો મજબૂર
-
₹2000 થી ઘટીને ₹700 ની સપાટીએ પહોંચ્યો ભાવ; ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન સીધું અડધું થયું
-
આંબાના મોર બળી જતાં કેરીનો ઉતારો ઘટ્યો; મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોમાં વ્યાપક નિરાશા
ગીરની પ્રખ્યાત કેસર કેરીની સીઝન હવે સોળે કળાએ ખીલી છે, પરંતુ વાતાવરણના પલટાએ ખેડૂતો અને બગીચાના ઈજારદારો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી કેરીની મબલખ આવક થઈ રહી છે, જેના કારણે ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પ્રારંભમાં ₹૨૦૦૦ સુધી વેચાતા કેરીના બોક્સના ભાવ હવે ₹૭૦૦ થી ₹૧૧૦૦ ની સપાટીએ પહોંચી ગયા છે.
ઉત્પાદનમાં ૫૦% નો ઘટાડો ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે આંબાના મોર બળી ગયા હતા. ગત વર્ષે જે બગીચામાં ૨૦૦ બોક્સ ઉતરતા હતા, ત્યાં આ વર્ષે માત્ર ૧૦૦ બોક્સનો જ ઉતારો જોવા મળી રહ્યો છે. ખેડૂત વેજાભાઈ વાઘેલાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "અમે ૩ બોલેરો ભરીને કેરી લાવ્યા છીએ, પણ અત્યારે બજારમાં જે ભાવ મળે છે તેમાં અમને નફો મળતો નથી."
આવક વધતા ભાવમાં હજુ ઘટાડાની શક્યતા યાર્ડના અગ્રણી અદ્રેમાન પંજાના જણાવ્યા મુજબ, અત્યારે દૈનિક ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ બોક્સની આવક થઈ રહી છે અને આગામી દિવસોમાં આ જથ્થો હજુ પણ વધશે. જોકે, ગ્લોબલ વોર્મિંગની અસર કેરીની ગુણવત્તા પર પણ જોવા મળી રહી છે. તાલાલા યાર્ડમાં હરાજી શરૂ થઈ હોવા છતાં જૂનાગઢમાં પ્રમાણમાં સારા ભાવ મળતા હોવાથી આસપાસના વિસ્તારોના ખેડૂતો અહીં વધુ આવી રહ્યા છે. ગ્રાહકો માટે આ વર્ષે કેરી સસ્તા ભાવે ઉપલબ્ધ રહેશે, પરંતુ ખેડૂતો માટે આર્થિક રીતે આ સીઝન કપરી સાબિત થઈ રહી છે.