Loading Please Wait !!!
જૂનાગઢ મહંત હત્યાકાંડ: 14 વર્ષની કાનૂની લડત બાદ 6 આરોપીઓ નિર્દોષ, પુરાવાના અભાવે કોર્ટે આપ્યો શંકાનો લાભ

 

  • ખેતલીયા દાદાની જગ્યાના મહંત રામાનંદ ગુરુની હત્યાના કેસમાં ચુકાદો; જુસબ અલારખાનો જેલવાસ હજુ યથાવત

  •  ૬૯ સાક્ષીઓ અને ૨૦૦ દસ્તાવેજો છતાં કડીઓ ન જોડાઈ; નિર્દોષ જાહેર થયેલા ૬ આરોપીઓ પૈકી ૫ ના ટ્રાયલ દરમિયાન મૃત્યુ

  •  ૨૦૧૨ ની એ ઘટના જેણે સાધુ સમાજને હચમચાવ્યો હતો; 'બેનિફિટ ઓફ ડાઉટ' મળતા ૧૪ વર્ષ જૂના કેસમાં આવ્યો વળાંક

    જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી સુપ્રસિદ્ધ શ્રી ખેતલીયા દાદાની જગ્યાના મહંત રામાનંદ ગુરુ અખંડાનંદ સાધુની ૨૦૧૨ માં થયેલી હત્યાના પ્રકરણમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ન્યાયાલયે પુરાવાના અભાવે મુખ્ય આરોપી જુસબ અલારખા સહિત તમામ ૬ જીવિત આરોપીઓને નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

    જમીન વિવાદ અને હત્યાની પૃષ્ઠભૂમિ ઘટનાની વિગતો મુજબ, વર્ષ ૨૦૧૨ માં ઝાંઝરડા ગામની 'જયનગર' તરીકે ઓળખાતી કરોડોની કિંમતી જમીનના વેચાણ અને કબજા બાબતે મોટો વિવાદ થયો હતો. આ જમીન હડપવાના કાવતરામાં અડચણરૂપ બનતા મહંત રામાનંદ ગુરુની ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ મંદિર પરિસરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર ગુજરાતના સાધુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

    શા માટે આરોપીઓ નિર્દોષ છૂટ્યા? તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા ૬૯ સાક્ષીઓ અને ૨૦૦ થી વધુ દસ્તાવેજી પુરાવાઓ ગુનાની કડી જોડવામાં નિષ્ફળ રહ્યા હતા. આરોપી પક્ષના વકીલ દીપેન્દ્ર યાદવની દલીલોને ગ્રાહ્ય રાખી, ન્યાયાધીશ શ્રી ડી. જી. દવેએ 'બેનિફિટ ઓફ ડાઉટ' (શંકાનો લાભ) આપીને તમામ આરોપીઓને મુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કુલ ૧૧ આરોપીઓ હતા, જેમાંથી ૫ ના ટ્રાયલ દરમિયાન કુદરતી મૃત્યુ થયા છે.

    જુસબ અલારખાનો જેલવાસ યથાવત જોકે આ કેસમાં નિર્દોષ છૂટકારો થયો હોવા છતાં, મુખ્ય આરોપી જુસબ અલારખા સામે ગુજરાતના અન્ય પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. તેની ગુનાહિત પૃષ્ઠભૂમિને જોતા તેને જેલમાંથી મુક્તિ મળશે નહીં. ૧૪ વર્ષની લાંબી લડત બાદ ખેતલીયા દાદાની જગ્યાના આ હત્યાકાંડના કેસ પર આખરે કાનૂની પડદો પડ્યો છે.